ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
ભૂકંપ, વાવાઝોડુ, પૂર, ઔદ્યોગિક અકસ્માત, આગ જેવી બહુવિધ આપત્તિઓ સમયે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે જાગૃત થાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા શાળા સલામતી કાર્યક્રમ અમલમાં મુકાયો છે. આપત્તિ સમયે સાવચેતી અને સલામતી વિશે વિશેષ માર્ગદર્શન મળી રહે તે માટે તા. ૨૮ જાન્યુઆરી થી છોટાઉદેપુર જિલ્લાની ૧૨૫૫ પ્રાથમિક શાળામાં મેગા ઈવેન્ટ અને કુલ ૩૫ થી વધુ સરકારી પ્રાથમિક શાળામાં ‘‘શાળા સલામતી સપ્તાહ – ૨૦૨૪’’ની ઉજવણીનો શુભારંભ થયો હતો.
પ્રથમ દિવસે સ્કૂલ સેફટીની મેગા ઈવેન્ટ છોટાઉદેપુર તાલુકાની તાલુકા પ્રાથમિક શાળામાં યોજાઈ હતી. જેના શુભારંભ પ્રસંગે ડિઝાસ્ટર વિભાગના ડી.પી.ઓ ડી.એચ પટેલે શાળા સલામતી કાર્યક્રમ કેમ્પ અમલમાં મુકાયો, તેની અગત્યતા શું છે ઈમરજન્સી સમયે કોના કોના ફોન નંબર પાસે હોવા જોઈએ અને સર્વ શિક્ષા અભિયાનમાં શુ કામગીરી હોય તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ ઓફિસરે શાળા સલામતી પ્લાન કેવી રીતે બનાવવો અને તેની ઉપયોગિતા શું છે તેનું મહત્વ સમજાવી તમામ શાળાઓ પ્લાન બનાવવા અપીલ કરી હતી. આ ઉપરાંત ચિત્ર, નિબંધ, વકતૃત્વ સ્પર્ધાઓ અને વિવિધ ચાર્ટ પોસ્ટર, નિદર્શન જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. જેથી બાળકોમાં અને સમાજમાં આ બાબતે જાગૃતિ આવે અને લોકોનું જીવન વધુ સલામત અને સુરક્ષિત બને.
શાળા સલામતી સપ્તાહ દરમિયાન કવાંટ તાલુકામાં તાલુકા પ્રાથમિક શાળા નં.૧, થડગામ, બૈડીયા, સૈડીવાસણ, રૂમડીયા, જેતપુર(પાવી) તાલુકામાં કદવાલ, ભીખાપુરા, જેતપુર તાલુકા શાળા, બોરધા, સંખેડા તાલુકામાં ક્લેડીયા, ભાટપુર, સંખેડા કુમાર શાળા, આંબાપુર, માંજરોલ, બોડેલી તાલુકામાં ઉચાપાન, કોસીન્દ્ર, ઢોકલીયા, બોડેલી કન્યા શાળા, માકણી જેવા ગ્રામ્ય વિસ્તારોની શાળાઓમાં ૧૦૮ ડેમો, પ્રાથમિક સારવાર તાલીમ, ફાયર ડેમો, NDRF , DPO training આપવામાં આવશે.
આ સમગ્ર સપ્તાહ દરમિયાન થનાર કાર્યક્રમોનું સંચાલન નિવાસી અધિક કલેકટર શૈલેશ ગોકલાણીના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનાં સહયોગથી ડિઝાસ્ટર મામલતદાર વી.જે શાહ, નાયબ મામલતદાર એસ.એસ. નાડીયા અને પ્રોજેક્ટ અધિકારી ડી.એચ.પટેલ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યુ છે.