ગુજરાત ભૂમિ, છોટાઉદેપુર
ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના સંકલ્પને સાકાર કરતા, છોટાઉદેપુર વન વિભાગ હેઠળ ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ મકાનનું શિલાન્યાસ પ્રાભારીમંત્રી મનીષાબેન વકીલના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.
પ્રભારીમંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, વન વિભાગની ફતેપુરા નર્સરી ખાતે અંદાજે ૮૦૦૦ ચોરસ ફૂટ જમીન પર અંદાજિત રૂ. ૨.૦૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાઓ સાથે તૈયાર થનાર ‘ટ્રાન્ઝીટ હોસ્ટેલ’ વન વિભાગના કર્મચારીઓના કલ્યાણ અને શૈક્ષણિક પ્રગતિ માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.વન વિભાગ હેઠળના અંતરિયાળ વિસ્તારો જેવા કે રંગપુર, ડોલરીયા, પાનવડ, કવાંટ અને છોટાઉદેપુર રેંજના ફોરેસ્ટર તથા બીટગાર્ડ મિત્રો દિવસ-રાત જંગલની સુરક્ષામાં કાર્યરત હોય છે.અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સ્ટાફને પરિવાર સાથે રહેવામાં મુશ્કેલી પડતી હતી.કર્મચારીઓના બાળકો શહેરના શિક્ષણથી વંચિત ન રહે અને તેઓના પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવી શકે તે હેતુથી આ હોસ્ટેલ આશીર્વાદરૂપ બનશે.આ સુવિધાથી ક્ષેત્રીય સ્ટાફનું સામાજિક જીવન વધુ સુદ્રઢ બનશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત વન વિભાગની વિવિધ સફળ યોજનાઓના અભ્યાસ અને પ્રત્યક્ષ નિદર્શન માટે અન્ય રાજ્યોના તાલીમાર્થીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં છોટાઉદેપુરની મુલાકાતે આવતા હોય છે. આ ટ્રાન્ઝીટ હોસ્ટેલ કાર્યરત થવાથી બહારથી આવતા પ્રવાસી તાલીમાર્થીઓના નિવાસ અને અભ્યાસ માટે એક ઉત્તમ માધ્યમ ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, જિલ્લા વિકાસ આધિકારી સચિનકુમાર, મદદનીશ કલેકટર મુસ્કાન ડાગર, નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, નિવાસી અધિક કલેકટરશ્રી શૈલેષ ગોકલાણી, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી મંજૂલાબેન કોલી સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
