ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અંતર્ગત નિયામક આયુષની કચેરી દ્વારા પ્રેરિત, જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા છારા જાપા ગ્રાઉન્ડ, કોડીનાર ખાતે આયુષ મેળો યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું. જેમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આયુષમેળામાં શહેરીજનોએ વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર, યોગ અંગેનું માર્ગદર્શન, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા ઉપરાંત યોગ-વાનગી પ્રદર્શન સહિત આયુર્વેદની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વિજયસિંહ ગોહિલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આયુષમેળાનો મુખ્ય હેતુ શું છે તે વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે તેમજ ધારાસભ્ય અને ઉપસ્થિત મહાનુભાવોએ જુદા-જુદા ૧૫ સ્ટોલની મુલાકાત લઈ અનેકવિધ આયુર્વેદ આધારિત આરોગ્ય સેવાઓ અને કામગીરીને બીરદાવી હતી. આ તકે જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરતાં સીનિયર આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈદ્ય પિયુષભાઈ પંપાણિયા તેમજ સુરેશભાઈ રૂપાપરાને પ્રશસ્તિપત્ર દ્વારા સન્માનિત કરાયા હતાં.
યોગ નિષ્ણાંતો દ્વારા આયુષમેળાની મુલાકાતે આવતા તમામ શહેરીજનોને પ્રેક્ટિકલી યોગ-પ્રાણાયામની ઊંડી સમજ આપવામાં આવી હતી. જ્યારે ઉનાની વિદ્યાર્થીનીઓએ યોગકૃતિ તેમજ કોડીનારની રાજદિપ શાળાના વિદ્યાર્થીઓએ સૂર્યનમસ્કાર પ્રસ્તુત કર્યા હતાં. આયુષ કચેરી ગીર સોમનાથ દ્વારા આ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
આયુષ મેળાનો ૫૦૦૦ કરતા વધુ શહેરીજનોએ લાભ લીધો હતો. જેમાં ૮૦૦ કરતાં વધારે દર્દીઓએ આયુર્વેદ-હોમિયોપેથી નિદાન, ૯૦૦થી વધારે ઉકાળાના લાભાર્થીઓ તેમજ ૨૦૦ કરતાં વધુ બાળકોને સુવર્ણપ્રાશન ડ્રોપ્સ સહિત ૪૦૦થી વધારે લાભાર્થીઓને આર્સેનિક આલ્બમનું વિતરણ કરાયું હતું અને ૯૦થી વધારે લાભાર્થીઓએ જરા ચિકિત્સાનો પણ લાભ લીધો હતો.