ગુજરાત ભૂમિ, સુરત
ઓટિઝમ સામે લડવામાં ધીરજ, પ્રેમ અને વાત્સલ્યભાવ એ રામબાણ ઇલાજ છે, જેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં રહેતા ઓટિઝમપીડિત ૭ વર્ષીય સાગર અને માતા વિભાબેન (નામ બદલ્યા છે)એ પૂરૂ પાડ્યું છે. તેઓ પોતાના ઓટીસ્ટ બાળક માટે વર્કિંગ વુમનની સાથે થેરાપિસ્ટ બન્યા છે. માતા વિભાબેને ઓટિઝમ પીડિત બાળકની માતા હોવું એ ક્ષણેક્ષણ મુશ્કેલીભર્યા જીવનનો અનુભવ કરાવનારી સ્થિતિ છે એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નોર્મલ ડિલીવરીથી મારા બાળકનો જન્મ થયો હતો, બાળક તંદુરસ્ત હતું. શરૂઆતના બધા જ લક્ષણો સામાન્ય બાળક જેવા જ હતા. સવા વર્ષની ઉંમરે અતિશય તાવ આવ્યા પછી ધીરે ધીરે બાળકનું સામાજિક વર્તન જ બદલાઈ ગયું હતું. બોલચાલ, બાળસહજ ચંચળતા, દુગ્ધપાન, આઈકોન્ટેક્ટનો અભાવ નહિવત હતો. વિભાબેને પોતાના અનુભવ વર્ણવતા વધુમાં કહ્યું કે, સાગરની બિહેવીયર થેરાપી તાલીમ શરૂ કરી, જેની મદદથી ઘણું સારૂ પરિણામ મળ્યું. વર્કિંગ વુમન હોવાથી જોબની સાથે સાગરની ચિંતા રહેતી હોવા છંતા ભગવાને જે આપ્યું છે તેનો સ્વીકાર કરી તેની સ્થિતિમાં સુધાર આવે તે બાબતે જુદી જુદી થેરાપીઓ દ્વારા ટ્રેનિંગ શરૂ કરી. વિશ્વાસ ન આવે તેવું પરિણામ મળ્યું.
થેરાપી પછી ઘણી બધી સામાજિક, દૈનિક ક્રિયાઓ જાતે કરતો થયો. સાગરમાં પરિવર્તન જોવા મળ્યું અને અમારો ઉત્સાહ પણ વધ્યો. તેનામાં સોશિયલ ઈમોશન ડેવલપ થયા. માતા-પિતાએ ઓટિસ્ટ બાળકથી અંતર રાખવાને બદલે તેની સાથે બાળકની જેમ રહેવાથી વધુ સારૂ પરિણામ મળશે. ઓટિઝમ થવાના કારણો ઓટિઝમ ક્યાં કારણોથી થાય છે તે અંગે એક મત સાધી શકાતો નથી. કોઈ ચોક્કસ કારણથી ઓટિઝમ ઉદ્દભવે છે તેવું શોધાયું પણ નથી. એક માન્યતા છે કે, ગર્ભસ્થ શિશુના વિકાસમાં આનુવાંષિક કારણોથી આત્મકેન્દ્રિત સ્થિતિ એટલે કે ઓટિઝમ થાય છે. ગર્ભનો અપુરતો વિકાસ કે મગજમાં જરૂરી રસાયણોનું અલ્પ પ્રમાણ પણ ઓટિઝમ પાછળ કારણભૂત હોઈ શકે છે. ઓટિઝમથી પીડિત બાળકની કેળવણીમાં ધ્યાન રાખવામાં આવે તો ઘણા અંશે રાહત મળી શકે છે. ઓટિઝમની સારવાર રિહેબિલિટેશન થેરાપી પ્રોગ્રામ જેમાં સેન્સરી ઇન્ટીગ્રેશન, કોગ્નેટીવ બિહેવીયર થેરાપી, અર્લી ઈન્ટરવેન્શન થેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી દ્વારા તેની નકારાત્મક અસરોથી સુખદ પરિણામ મેળવી શકાય છે. કહેવાય છે કે, દુનિયામાં સૌંદર્યની જરાય કમી નથી, પણ સુંદરતા શોધવા માટે આંખોની અછત છે. દરેક બાળક પૃથ્વી પર એક ‘તેજસ્વી તારો’ છે. આવા સ્ટાર બાળકો એટલે કે ઓટીસ્ટ બાળકોને હુંફ, આલિંગન અને સંવેદના આપી રોશન કરીએ.