હિન્દ ન્યુઝ, વડોદરા
વડોદરાની પ્રતિષ્ઠિત એમ. એસ. યુનિવર્સિટીએ વધુ એક સિદ્ધિ પોતાના નામે કરી છે. યુનિવર્સિટીના સંશોધકોની એક ટીમે કુદરતી હર્બલ અર્કનો ઉપયોગ કરીને મચ્છર ભગાડનાર સુતરાઉ કાપડ સફળતાપૂર્વક વિકસાવ્યું છે, જે મચ્છરજન્ય રોગોને રોકવા માટેનો એક આશાસ્પદ ઉકેલ છે. યુનિ.ના ટેકનોલોજી ફેકલ્ટી ઑફ એન્જિનિયરિંગના ટેક્સટાઇલ રસાયણશાસ્ત્ર વિભાગ ખાતે આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ કાપડ ઉત્પાદનમાં કુદરતી અને ટકાઉ સામગ્રીના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે.
માર્ગદર્શક ડૉ. ભરત એચ. પટેલ, સહ-માર્ગદર્શક દેવાંગ પી. પંચાલ અને વિદ્યાર્થી જયંત પાટીલે કરાયેલા આ સંશોધનમાં લીલી ચાની પત્તી (લેમન ગ્રાસ), લીમડો અને તુલસીના અર્કથી સારવાર કરાયેલા આ કાપડમાં નોંધપાત્ર મચ્છર ભગાડનાર, એન્ટિમાઇક્રોબાયલ પ્રવૃત્તિ અને યુવી રક્ષણ ગુણધર્મો દર્શાવવામાં આવ્યા છે. અર્કના મિશ્રણે મચ્છરો સામે પ્રભાવશાળી 85% પ્રતિરોધકતા પ્રાપ્ત કરી છે. જે પર્યાવરણને અનુકૂળ અને બાયોડિગ્રેડેબલ કાપડમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ઝીકા વાયરસ જેવા મચ્છરજન્ય રોગો સામે રક્ષણ આપવા માટે સલામત અને અસરકારક છે.
અભ્યાસમાં પેડ-ડ્રાય-ક્યોર પદ્ધતિનો ઉપયોગ કરીને કોટન ફેબ્રિક પર કુદરતી હર્બલ અર્કના ઉપયોગની તપાસ કરવામાં આવી હતી. સારવાર કરાયેલા કાપડનું મચ્છર ભગાડવાની ક્ષમતા, એન્ટિમાઇક્રોબાયલ પ્રવૃત્તિ અને યુવી સંરક્ષણ ગુણધર્મો માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
