ગુજરાત ભૂમિ, રાજકોટ
રાજ્ય સરકાર દ્વારા માધવપુર ખાતે યોજાયેલ મેળામાં આસામ, નાગલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ સહિત વિવિધ રાજ્યો તથા પ્રદેશોના વેપારીઓના ઉત્પાદનોને વેગ મળે તેમજ આ ઉત્પાદનો સરળતાથી લોકો સુધી પહોંચે તે માટે હસ્તકળા હાટનું નિર્માણ કરવામાં આવ્યું છે જયાં પોતાના ઉત્પાદનોના વેંચાણ અર્થે આવેલ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના વેપારીઓએ સુંદર વ્યવસ્થા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો છે સાથે સાથે તેઓના ઉત્પાદનને નવી ઓળખ અને ઊંચાઈ મળશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. આવા જ નાગલેન્ડના વેપારી શો ક્વોલો પોતાનો પ્રતિભાવ આપતાં જણાવે છે કે ગુજરાત સરકારે આ મેળાના માધ્યમથી અમને અમારા ઉત્પાદનોના વેંચાણ માટેની વ્યાપક તકો પુરી પાડી છે.આ સ્થળે અમને સ્ટોલ ફાળવાતા અમારા રેડ ચીલી પાવડર, બ્લેક રાઈસ સહિતના વિખ્યાત અને ઓર્ગેનિક ઉત્પાદનોનું વેંચાણ અને વ્યાપ વધશે અને સમગ્ર દેશમાં લોકો આ ઉત્પાદનોને ઓળખતાં થશે.આ સમગ્ર સુચારૂ વ્યવસ્થા માટે હું ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરું છું.
આવા જ ગીર સોમનાથ જિલ્લાના નવાપરા ગામના હેન્ડલુમ હાથ વણાટના કારીગર સતીષભાઈ ઝાપડા જણાવે છે કે હાથ શાળનો અમારો વારસાગત વ્યવસાય છે.અમે શાળ પર કાપડનું ઉત્પાદન કરી વિવિધ શહેરોમાં વેંચાણ કરીયે છીએ.અત્યાર સુધી અમારા ઉત્પાદનોથી લોકો બહોળા પ્રમાણમાં પરિચિત ન હતા તેથી વેંચાણ ખૂબ ઓછું થતું પરંતુ રાજય સરકારના આ પ્રકારના આયોજનોને કારણે લોકો અમારાં ઉત્પાદનોથી પરિચિત બન્યા છે અને હેન્ડલુમ વ્યવસાયને પણ વેગ મળ્યો છે સાથે સાથે અમને આર્થિક રીતે ફાયદો પણ મળ્યો છે. આ અંગે જ્યોત્સનાબેન પરમાર જણાવે છે કે સરકારે આ મેળામાં અમને સ્ટોલની સુવિધા પૂરી પાડી છે જેથી અમારા ઉત્પાદનોની લોકોમાં માંગ ઉભી થઇ છે અને લોકો ખરીદી કરતાં સારૂ એવું વેંચાણ પણ થઈ રહ્યું છે.જેના કારણે અમને આર્થીક રીતે ખૂબ ફાયદો મળ્યો છે.