ગુજરાત ભૂમિ, સુરત
સમગ્ર વિશ્વભરમાં તા.૨જી એપ્રિલને ‘વર્લ્ડ ઓટિઝમ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તા.૨ એપ્રિલ-૨૦૨૩ના રોજ ૧૬મો ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ છે. ડિસેમ્બર ૨૦૦૭માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પસાર કરેલા એક ઠરાવ મુજબ વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૨ એપ્રિલને “વિશ્વ ઓટિઝમ દિવસ” તરીકે મનાવવામાં આવે છે. જેનો હેતુ ઓટિઝમ અને સંબંધિત સંશોધન અને નિદાન અને ઓટિઝમ ધરાવતા બાળકો-લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ઓટિઝમ મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી માનસિક સ્થિતિ છે, જેમાં બાળક સામાન્ય લાગે, પરંતુ તે આત્મકેન્દ્રી અને ‘સ્વ’માં જ જીવતો હોય તેવું લાગે. એટલે કે ‘નજર સામે, પણ પહોંચની બહાર’ તેથી જ ઓટીસ્ટીક બાળકોને ‘તારા સમાન બાળકો” પણ કહેવામાં આવે છે. ઓટિઝમનો ઉપાય માત્ર દવા જ નહીં, પણ ધીરજપૂર્વકની સારસંભાળ, લાગણી, હૂંફ અને આત્મીયતાથી નોર્મલ બાળકની હરોળમાં લાવી શકાય છે. શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ ઓટિઝમ થઈ શકે છે. સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૪૬ ઓટિઝમ પિડીત બાળકો નોંધાયા છે એમ જણાવતા ઓટિઝમ બાળક મંદબુદ્ધિ નથી હોતું, તેને હુંફ આપવામાં આવે તો તે હાઈલી ઈન્ટેલિજન્ટ બની શકે છે એમ ગર્વમેન્ટ મેડિકલ કોલેજ-સુરતના ડીન અને માનસિક રોગ વિભાગના વડા ડો.ઋતંમ્ભરા મહેતા ઉમેરે છે.
ડો. ઋતંમ્ભરા મહેતાએ જણાવ્યું કે, ‘ઓટિઝમ’ એ કોઈ બીમારી નથી, પણ ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. તેના કોઈ દવા કે કોઈ ટેસ્ટ પણ નથી. જેમાં બાળક સામાજિક રીતે અન્ય સાથે જોડાઈ શકતું નથી, અને પોતાની લાગણીઓને સ્પષ્ટ રીતે વ્યક્ત કરી શકતું નથી. જ્ઞાનતંતુઓના વિકાસની પ્રક્રિયામાં ક્ષતિથી થતું ઓટિઝમ એ જીવનભર રહેનારી સ્થિતિ છે. એટલે જેટલી જલ્દી બાળકમાં ઓટિઝમની જાણ થાય તેવી જ તેના ઉપચાર શરૂઆત કરવી જોઈએ. આ સમસ્યાને સંપૂર્ણ દૂર કરી શકાતી નથી, પણ હકારાત્મક અભિગમથી સારવાર કરવામાં આવે તો પીડિત પોતાની જરૂરિયાતો પૂરી કરી જીવી શકે તેટલું સક્ષમ બની શકે છે.