ગુજરાત ભૂમિ, ભુજ
જન ઓૈષધિ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં ૭ માર્ચના જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૫ના પ્રધાનમંત્રી જનઔષધિ યોજના ઘોષિત કરવામાં આવી હતી. જેનો હેતુ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરીક દવા બજાર મૂલ્યથી ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ હેતુને કચ્છમાં જન ઔષધિ કેન્દ્રો ચલાવતા સંચાલકો સાર્થક કરી રહયા છે. જેમાં નખત્રાણાના ડો. પ્રિન્સી સોનીએ પોતાના તાલુકામાં જેનેરીક દવાઓ અંગે વિવિધ માધ્યથી જાગૃતિ આણીને રેકોર્ડબ્રેક દવાનું વેચાણ કરીને સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. આ ઉપલબ્ધિની બીજી બાજુ એ છે કે, જેનેરીક દવા ખરીદીને લોકો પોતાના ખિસ્સામાંથી ખર્ચાઇ જતી તગડી રકમની પણ બચત કરી શક્યા છે.
બજારમાં મળતી મોંઘીદાટ દવાની સામે જન ઔષધિ કેન્દ્રમાં ૫૦ થી ૯૦ ટકા સુધી સસ્તી દવા અને સર્જીકલ ઉપકરણોનું વેંચાણ થાય છે. જેમાં ડાયાબિટીસ, કેન્સર, અસ્થમા, થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર , દુ:ખાવો સહિત ૧૭૫૯ પ્રકારની દવા અને ૨૮૦ પ્રકારના સર્જિકલ ઉપકરણ ઉપલબ્ધ હોય છે તેવું આજરોજ ભુજ ખાતે યોજાયેલા જન ઔષધિ દિવસના ઉજવણી કાર્યક્રમમાં સમગ્ર કચ્છમાં સૌથી વધુ વેંચાણ બદલ “ જન ઔષધી ગૌરવ એવોર્ડ “ થી નવાજિત ડો. પ્રિન્સી સોનીએ જણાવ્યું હતું.
વધુમાં તેણીએ ઉમેર્યું હતું કે, નખત્રાણા અને અબડાસા તાલુકામાં લોકોમાં જેનેરીક દવાઓ પ્રત્યે જાગૃતિ અને વિશ્વાસ પેદા થાય તે માટે તેઓ સતત ગામના પ્રતિનિધિનો સંપર્ક કરીને સેમિનાર, નિશુલ્ક આરોગ્ય કેમ્પ, ફ્રી હેલ્થ ચેકઅપ, સ્ત્રીઓમાં માસિકમાં હાઇજીન જાળવવાને લઇને માહિતી તથા ફ્રી સેનીટરી પેડનું વિતરણ વગેરે કાર્યક્રમો કરીએ છીએ. આ કાર્યક્રમના માધ્યમથી લોકો સુધી સસ્તી દવા અને મેડીકલ ઉપકરણો મળી રહે તેવા જન ઔષધી કેન્દ્રો સરકાર ચલાવી રહી છે તેની જાણકારી પહોંચાડી રહ્યા છીએ .
જેના પરીણામે હાલ બંને તાલુકાના મોટાભાગના ગામડામાં જેનેરીક દવા વિશે લોકોને ખ્યાલ સાથે વિશ્વાસ પેદા થયો છે. જેના કારણે જ તેઓ સતત ચોથી વાર કચ્છમાં સોથી વધુ વેચાણ કરવાનો રેકોર્ડ તથા રાજયમાં બીજીવાર ટોપટેનમાં સ્થાન પામી શકયા છે. આ વર્ષે તેણીએ રૂ. ૨૫ લાખથી વધુની દવાનું વેચાણ કર્યું છે.
જયારે “ જન ઔષધિ ગૌરવ એવોર્ડ “ થી નવાજિત ભુજ તાલુકાના સુખપરમાં જન ઔષધિ સેન્ટર ચલાવતા દિપાલી દિનેશ વેકરીયાએ રૂ. ૧૯ લાખથી વધુનું વેચાણ કર્યું છે. તેઓ જણાવે છે કે, સુખપરમાં બધા લોકો ખાનગી મેડીકલમાંથી દવા લેતા પરંતુ જાગૃતિ કાર્યક્રમો, પેમ્લેટ વિતરણ , નાટક સહિતના માધ્યમથી પ્રચાર કરતા ગામના લોકો જેનેરીક દવા તરફ વળ્યા છે. દર માસે જે દવા લોકોને ખરીદવી પડતી હોય છે તે સસ્તા ભાવે મળતી હોવાથી લોકોની બચત થઇ રહી છે. દા.ત તરીકે મહિલાઓ પીરીયડમાં બજારમાંથી જે મોંઘા પેડ ખરીદે છે તે જ જન ઔષધિ કેન્દ્રમાં રૂ.૪માં ચાર પેડ મળે છે. તેમજ જે લોકોને દર માસે રૂ.૧૦ હજાર દવાનું બિલ ચુકવવું પડતું હતું તે દવા રૂ. ૨૦૦૦ની મળતી થતાં લોકોને ભારે બચત થઇ રહી છે.
“ જન ઔષધી ગૌરવ એવોર્ડ “ મેળવનાર માધાપરના દિવ્યાંગ વાલજીભાઇ અરજણ છાંગાએ રૂ. ૨૧ લાખનું વેચાણ કરીને કચ્છમાં જેનેરીક દવા વિશે લોકોમાં જાગૃતિ આણવાનું કામ કર્યું છે. તેઓ જણાવે છે કે, માધાપરમાં ડોર ટુ ડોર પ્રચાર , દર માસે ફ્રી કેમ્પ ,દવાની હોમ ડીલીવરી વગેરે કરવાથી લોકો જાગૃત બન્યા છે. જેનેરીક દવાનો વપરાશ દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે . જેના કારણે ગરીબ લોકોને ફાયદો થયો છે.
કેન્દ્ર અને રાજય સરકારની આ પહેલના કારણે નાગરીકોને મોંઘીદાટ દવા ખરીદવામાંથી રાહત મળી છે. નાણાકીય બચત થતાં લોકોની સુખાકારીમાં વધારો થયો છે. તેમજ સ્ટોર શરૂ કરવા તથા કાર્યરત રાખવા સ્ટોરના કાર્યકાળ દરમિયાન રૂ.૫ લાખની સહાય પૂરી પાડવામાં આવે છે. તેમજ ખાસ મહિલાઓ , દિવ્યાંગો, અનુસુચિત જાતિ / જનજાતિ વગેરેને ખાસ પ્રોત્સાહક રકમ રૂ. ૨ લાખની સહાય અપાય છે.