ગુજરાત ભૂમિ, સોમનાથ
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રારંભ થયેલ શ્રીમદ્ ભાગવત કથાની આજે પુર્ણાહુતિ, કથા પ્રારંભ તા.30/07/2023 ના રોજ થયેલ હતો. આ કથામાં શ્રી કૃષ્ણ પ્રાગટ્ય.. શ્રી રામ જન્મ.. શ્રી ગોવર્ધન પૂજા, રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગો ખુબ ભાવ પૂર્ણ રીતે અધિક માસ દરમિયાન ઉજવવામાં આવેલ અને જેનો લાભ સ્થાનિકો સહિત સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકોએ લીધો હતો, સાથે જ ટેકનોલોજીના માધ્યમથી દેશ-વિદેશના લાખ્ખો લોકો ઘરે બેઠા આ કથામાં જોડાયા હતા, અને કથા શ્રવણ કરી ધન્ય બન્યા હતા.
કથા અંશો…
ધર્મની મર્યાદા બધા તોડે છે, ત્યારે સામાજિક અવ્યવસ્થા સર્જાય છે.અને આ વ્યવસ્થાના સુધાર માટે પરમાત્માને અવતાર લેવો પડે છે. ભૌમાસુર જેનુ નામ નરકાસુર સાથે યુદ્ધ કરી તેની કેદમાં રહેલા, સામાજિક અવ્યવસ્થા સુધાર માટે 16,100 સ્ત્રીઓને ભગવાન પત્ની તરીકે સ્વીકારી છે, અને તેનો ઉદ્ધાર કર્યો છે. ભાગવત માં ઉલ્લેખ છે, ભગવાન શ્રી કૃષ્ણની 16,108 રાણીઓ છે.
કૃષ્ણ ને સુદામા મળવા જાય છે, દ્વારપાળ સુદામા ની પરીસ્થીતી ને જોઇ રોકી રાખે છે, એક સેવક ભગવાન શ્રી કૃષ્ણને જઇ સમાચાર આપે છે, કૃષ્ણ દોડીને સુદામા ને ભેટી પડે છે, અશ્રુ થી તેના ચરણ પ્રક્ષાલન કરે છે, અને તેને સ્નાન કરાવે ત્યારે પગના કાટા પ્રભુ તેમાંથી બહાર કાઢે છે, સુદામા સાથે લાવેલ તાંદુલ થી પ્રભુ બે જ કોળીયા ગ્રહણ કરે ત્યાતો શ્રી કૃષ્ણ પોતાનામાંથી રાજપાઠ અને ઐશ્વર્ય આપી તેની દારિદ્રતા હરી લે છે.
સાંબ યાદવકુમારો સાથે ઋષીઓની સાથે ગમ્મત કરવા જાય છે, યાદવના વિનાશનો દુર્વાસા શ્રાપ આપે છે, શ્રી કૃષ્ણ દ્વારકા માં આવેલી આફતો અને પરીસ્થીતી જોઇ પ્રભાસમાં આવે છે, યજ્ઞ-યાગાદિ માટે પણ યાદવો આપસમાં મદીરાપાન કરી લડવા લાગે છે, ઐરા નામની વનસ્પતિ થી લડવા લાગે છે, અને યાદવાસ્થલી થાય છે. ભગવાન ભાલકા માં કર્મયોગ નુ દ્રષ્ટાંત આપી ભગવાન સોમનાથની આજ્ઞા લઈ સદેહ સ્વધામ ગમન કરે છે.
શુકદેવજી કથા પૂર્ણ થાય છે, રાજા પરિક્ષિત શુકદેવજી કહે છે, કે કથા શ્રવણ કરી નિર્ભય બન્યો છું, મૃત્યુ નો ભય દૂર થયો છે. પરિક્ષિત જી ત્યાંથી નીકળી ગયા છે. સૂતપુરાણી કહે છે કે બ્રાહ્મણ ના સ્વરૂપમાં તક્ષક આવે છે, પરીક્ષિતને પુષ્પ આપે છે, પરિક્ષિત પુષ્પ આંખે લગાવે છે અને સૂક્ષ્મરૂપે ડંખ મારે છે, દારૂણ અને કઠિન વિશ એટલુ ભયંકર હોય કે શરીરમાં આગ લાગે છે. આત્મા જ્યોત સ્વરૂપે બ્રહ્માંડમાં જાય છે, ભાગવત સપ્તાહ થી મુક્તિ મળે તેનુ પ્રથમ સાક્ષી રાજા પરીક્ષિત છે.
કથા બાદ સોમનાથ મહાદેવ મંદિર સુધી પોથી યાત્રા યોજાઈ જેમાં ટ્રસ્ટી જે ડી પરમાર તથા શ્રી સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓ જોડાયા હતા, રુદ્રાક્ષ માળા, સોમનાથ મહાદેવની સ્મૃતિ ભેટ આપી કથાકાર શ્રી શરદભાઈ વ્યાસ નુ શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જે ડી પરમાર દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.