ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
કૃમિના ચેપથી બાળકોને સ્વાસ્થ્ય પર અનેક ગંભીર અસરો થાય છે. જેમ કે, કુપોષણ, ભૂખ ન લાગવી, ઝાડા-ઉલટી થવાં, વજનમાં સતત ઘટાડો થવો જેવા ચિહ્નો જોવા મળે છે. બાળકોમાં કૃમિની સમસ્યાના નિવારણ માટે રાષ્ટ્રીય કૃમિમુક્ત અઠવાડિયા અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની વિવિધ શાળા અને આંગણવાડી કેન્દ્રોના સહકારથી કૃમિનાશક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં પેટા કેન્દ્ર HWC ખાતે, ગામડાઓની પ્રાથમિક શાળામાં તેમજ આંગણવાડી કેન્દ્ર પર કૃમિનાશક ઉજવણીના ભાગરૂપે વિવિધ ડૉઝ આપવામાં આવ્યા હતાં. જે અંતર્ગત ૧થી ૫ વર્ષના બાળકોને આંગણવાડી કેન્દ્ર પર જ્યારે કોવિડ-૧૯ને અનુસરી ૬થી ૧૯ વર્ષના બાળકોને શાળા મારફતે ડૉઝ આપવામાં આવ્યા હતાં.
જો કોઈ બાળકમાં કૃમિવિષયક સમસ્યા જોવા મળે તો જે-તે વિસ્તારના આંગણવાડી કાર્યકર, આશા બહેનો તેમજ ક્ષેત્રના કર્મચારીઓનો પણ સંપર્ક કરી શકે છે. નોંધનીય છે કે, કૃમિનાશક દવાના કારણે બાળકોમાં લોહીની ઉણપમાં સુધારો થાય છે તેમજ તેમના પોષણ સ્તરમાં સુધારો થવાથી ગ્રહણશક્તિ વધે છે અને આંગણવાડી તેમજ શાળામાં કાર્યમાં રૂચિ રહે છે ઉપરાંત તેમની કાર્યક્ષમતામાં પણ સુધારો થાય છે.