ગુજરાત ભૂમિ, વલસાડ
યુવતીને કંઈ યાદ ન હોવાથી જે પણ ગામડાના નામ આપ્યા તે ગામોમાં ૧૮૧એ તપાસ કરી પરિવારની ભાળ મેળવી વલસાડ જિલ્લામાં મહિલાઓની સુરક્ષા કાજે 24 કલાક અવિરતપણે કાર્યરત 181 મહિલા અભયમ હેલ્પલાઇન ટીમે ભૂલી પડેલી પારડી તાલુકાની માનસિક અસ્થિર યુવતીને ઘરે પહોંચાડીને પરિવાર સાથે મિલાપ કરાવ્યો હતો. વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામમાંથી એક જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન નંબર પર કોલ કરી જણાવ્યું હતું કે, તેમના ગામમાં એક અજાણી અને માનસિક રીતે બીમાર ભૂલી પડી ગયેલી યુવતી છે. જેથી 181 અભયમ ટીમ ઘટના સ્થળે પહોંચી ગભરાઈ ગયેલી યુવતી સાથે વાતચીત કરતા તેને કશું યાદ ન હોવાથી તેનો પરિચય અને ઘરનું એડ્રેસ મેળવવું મુશ્કેલ બન્યું હતું. તેવા સંજોગોમાં યુવતી સાથે ધીરજપૂર્વક વાતચીત કર્યા બાદ થોડી રાહ જોઈ હિંમત આપી અને કાઉન્સિલિંગ કર્યા બાદ તેણે તેના ગામના આજુબાજુના ઘણા ગામોના નામ આપ્યા હતા જેથી તેણે જણાવેલા ગામના આગેવાનોનો સંપર્ક કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, પારડી તાલુકાના એક ગામની યુવતીની માનસિક સ્થિતિ સારી ન હોવાથી આશરે ૩ દિવસ અગાઉ ઘરેથી નીકળી ગઈ છે અને શોધખોળ કર્યા છતાં પણ મળી ન હતી. યુવતીએ જણાવેલા અલગ અલગ નામ અને ગામ મળતું આવતા યુવતીના પરિવાર સાથે સંપર્ક કરી તેમના સરનામા પર પહોંચી યુવતીને તેમના પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્યું હતું.
પરિવાર સાથે વાતચીત કરતા જાણવા મળ્યું હતું કે, ઘણા સમય પહેલા યુવતીની તબિયત અચાનક બગડતા તેની માનસિક સ્થિતિ બગડી ગઈ અને અગાઉ પણ ઘરેથી નીકળી ગઈ હતી અને હાલમાં પણ ત્રણ દિવસથી ઘરે જાણ કર્યા વગર નીકળી ગઈ હતી. ૧૮૧ની ટીમે યુવતીની માનસિક સારવાર કરાવવા માટે અને યોગ્ય કાળજી અને ધ્યાન રાખવા માટે પરિવારને સલાહ આપી હતી. પરિવારજનોએ ૧૮૧ ટીમનો આભાર માન્યો હતો. આમ ભૂલી પડી ગયેલી માનસિક અસ્થિર યુવતીનું કાઉન્સિલિંગ કરી પરિવાર સાથે પુનઃ મિલન કરાવી વલસાડ 181 અભયમ ટીમે સરાહનીય કામગીરી કરી હતી.