ગુજરાત ભૂમિ, નવસારી
આંતરરાષ્ટ્રીય કઠોળ દિવસની ઉજવણી, હલકા ધાન્ય પાકો વર્ષ-૨૦૨૩ ની ઉજવણી અને પ્રાકૃતિક ખેતીની જાગૃતતા શિબિર વાંસદા તાલુકાના સતીમાળ ખાતે યોજાઇ હતી. આ પ્રસંગે વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. એન.એમ.ચૌહાણે જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારમાં પહેલા થતા હલકા ધાન્ય પાકોનું મહત્વ, પોષણ, મુલ્ય અને આ પાકોમાં નહિવત માત્રામાં રસાયણનો ઉપયોગ થતો હોવાથી ખૂબ જ સરળતાથી પ્રાકૃતિક ખેતીમાં સમાવેશ કરી જીવામૃત અને દર્શપર્ણીના ઉપયોગ થકી પ્રાકૃતિક ખેતી તરફ વળવા સૌને આગ્રહ કર્યો હતો. શિબિરમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો.કે.એ.શાહે જણાવ્યું હતું કે, કઠોળ પાકોના વિસ્તાર અને ઉત્પાદકતા વધે તે હેતુથી યુનિવર્સિટી દ્વારા સંશોધન કરવામાં આવે છે. જેમાં કઠોળ પાકો જેવા કે તુવેર, મગ, અડદ, પાપડી, વાલ વગેરે હલકા ધાન્ય પાકો જેવા કે નાગલી, વરી, બંટો, ગોદરી, બાવટો અને રાજગરો વગેરે પાકોની નવીનતમ જાતો અને તેની વૈજ્ઞાનિક ખેતી વિશેની જાણકારી પૂરી પાડી હતી.
વસુધરા ડેરીના ચેરમેન ગમનભાઇ પટેલે ખેતી અને પશુપાલનને એકબીજાના પુરક વ્યવસાય ગણાવીને સ્વચ્છ દૂધ ઉત્પાદન અને કોઠાસૂઝ સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતી, બાગાયતી અને શાકભાજી પાકો કરવા ખેડૂતોને માહિતી પૂરી પાડી હતી. આ પ્રસગે જી.જી.આર.સી.ના તુષારભાઇએ ખેતી પાકોમાં પાણીનું મહત્વ અને પાણીના કરકસરપૂર્વક ઉપયોગ માટે સુક્ષ્મપિયત પધ્ધતિ અપનાવવા માટે ખેડૂતોને સરકાર દ્વારા પ્રોત્સાહિક કરવામાં આવતી સરકારની વિવિધ યોજના વિશે માર્ગદર્શન પૂરું પાડયું હતું. આ અવસરે કુષિ યુનિવર્સિટીની ઓછા ખર્ચની ખેડૂતલક્ષી ટેકનોલોજી જેવી કે જૈવિક ખાતરો, દવાઓ, ફેરોમોન ટ્રેપ અન્ય ટ્રેપ વગેરેનું પ્રદર્શન યોજી ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય અંબાબેન, સતીમાળ ગામના સરપંચ નાનુભાઇ સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઇ-બહેનોએ ભાગ લીધો હતો