ગુજરાત ભૂમિ, નર્મદા
તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ખાતે નર્મદા જિલ્લા ખેતીવાડી અધિકારી અને તિલકવાડાના પ્રાકૃતિક ખેતીના નોડલ અધિકારી વિનોદભાઈ પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતીના મહત્વ સમજાવી પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરવાના ઉમદા આશયથી “ખેડૂતમિત્ર” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી પ્રસંગે નર્મદા જિલ્લામાં ખેડૂતો સાથે સંવાદ કરીને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને અનુલક્ષીને તિલકવાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી પટેલે સંવાદમાં ઉપસ્થિત ખેડૂતમિત્રોને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી ખેડૂતો અને ખેતીના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ છે.
વધુમાં પટેલે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓથી અવગત કરાવીને ખેડૂતમિત્રોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. નર્મદા જિલ્લાની તમામ ગામ પંચાયત દીઠ ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરીને જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવી તેનો વ્યાપ વધારવા, ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરવાની સાથે સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડી.કે. શિનોરા અને તેમની સંપૂર્ણ ટીમ સરાહનીય કામગીરી કરી રહી છે.