ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
ઋગ્વેદમાં એક શ્લોકનો ઉલ્લેખ છે. જે કહે છે કે, “गोस्तु मात्रा न विधते“ જેનો અર્થ થાય છે કે, જેનું કોઈ મૂલ્ય ન થઈ શકે એવા ગાયથી અગણિત લાભ છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રત્યેક જીવ પ્રત્યે આદર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમાં પણ ખાસ કરીને ગાયમાતાને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે.
શાસ્ત્રોમાં ગંગા, ગાયત્રી, ગીતા, ગોવર્ધન અને ભગવાન ગોવિંદની જેમ ગાયને પણ પૂજનીય અને પવિત્ર માનવામાં આવી છે. ગોપાષ્ટમીનો તહેવાર પણ ભગવાન શ્રી કૃષ્ણનો ગાય પ્રત્યેનો પ્રેમ અભિવ્યક્ત કરે છે. આ જ રીતે પ્રાકૃતિક કૃષિમાં પણ દેશી ગાય ખેડૂતો માટે સાચા અર્થમાં ‘કામધેનું’ સાબિત થઈ રહી છે.
‘ગાય’ પ્રાકૃતિક ખેતીનો મહત્વનો આધારસ્તંભ છે. પ્રકૃતિના મૂળભૂત સિદ્ધાંતો આધારિત દેશી ગાયના છાણ અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે પ્રાકૃતિક ખેતી કરી શકાય છે. ગાયના ગૌમૂત્ર અને ગાયના છાણનો ઉપયોગ તો પાયાનો સિદ્ધાંત છે. પ્રાકૃતિક ખેતીમાં પાકની વૃદ્ધિ માટે બહારથી કોઈ પણ સામગ્રી ન લેતાં કુદરતી સામગ્રી એકઠી કરીને ખેતર ખેડી જાતે જ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે.
જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપ્સા અને જંતુનાશક અસ્ત્રો……એમ પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભ અનુસાર પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્તમ પરિણામ મળે છે. જેમાંથી જીવામૃત, ઘન જીવામૃત તેમજ જંતુનાશક અસ્ત્રો તૈયાર કરવામાં ગાયનું ગૌમૂત્ર અને દેશી ગાયનું છાણ ઉપયોગમાં લેવામાં આવે છે. ઉપરાંત જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને બ્રહ્માસ્ત્રમાં પણ દેશી ગાયનું ગૌમૂત્ર અને દેશી ગાયનું છાણ અતિમહત્વનો ભાગ ભજવે છે.
વળી, બધા જ પ્રકારની જીવાત અને ફૂગના નિયંત્રણ માટે દશપર્ણી અર્ક સર્વોત્તમ છે. જેમાં પણ ગાયના છાણ, ગૌમૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગાયના છાણ, ગૌમૂત્ર સહિત વિવિધ સામગ્રીઓથી તૈયાર થયેલો આ દશપર્ણી અર્ક છ મહિના સુધી વાપરી શકાય છે.
બીજામૃત બનાવવા માટે 5 લીટર દેશી ગાયનું ગૌમૂત્ર અને 5 કિલોગ્રામ દેશી ગાયનું છાણ એકઠું કરવામાં આવે છે. વધુમાં તેમાં 50 ગ્રામ ચૂનો અને 1 મુઠી ઝાડ નીચેની માટીને 20 લીટર પાણીમાં મિશ્ર કરી 100 કિલોગ્રામ બિયારણને પટ આપવા માટે 24 કલાક બાદ ઉપયોગમાં લેવામાં આવે છે.
આ ઉપરાંત, ગાયના દૂધની ખાટી છાશ પણ ફુગનાશક, વિષાણું નાશક, સંજીવક અને પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. આ માટે સાતથી દશ દિવસની 10 લીટર ખાટી છાશને 200 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરી શકાય છે. જેથી વન્યપ્રાણીઓ તેની દુર્ગંધથી ખેતરની આસપાસ આવશે નહીં અને પાકને નુકસાન થતું અટકશે.
આયુર્વેદમાં પણ ઉલ્લેખ છે કે, ગાયના દૂધ, ઘી, માખણ, દહીં, છાણ, ગૌમુત્રથી બનાવેલા પંચગવ્ય મનુષ્યની વ્યાધિને શમાવે છે અને શારીરિક રોગોની દવા છે. જેના નિયમિત સેવનથી રાહત મળે છે. વળી ખેડૂતો ગૌમૂત્ર અને છાણમાંથી અગરબત્તી, ધૂપ, ગાયનું ઘી વગેરે જેવી વસ્તુઓ બનાવીને માર્કેટમાં વેંચી અને આર્થિક ઉપાર્જન પણ કરી શકે છે.
આમ, પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધારસ્તંભ ગાયના સંવર્ધનથી આર્થિક રીતે પણ ખેડૂતમિત્રોને ફાયદો થાય છે.
Advt .