કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ સણોસરી,
ગુજરાત ભૂમિ, જામનગર
જામનગર જિલ્લાના સણોસરી, સણોસરા તથા જામજોધપુરની વિવિધ પ્રાથમિક શાળાઓ ખાતે આયોજિત કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૪ અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ આંગણવાડી-બાલવાટિકા તેમજ ધો.૧ ના બાળકોને કુમકુમ તિલક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી શાળા પ્રવેશ કરાવ્યો હતો. આ વેળાએ મંત્રીશ્રીના હસ્તે સણોસરી તથા સણોસરા ખાતે નવનિર્મિત કોમ્પયુટર લેબનું લોકાર્પણ કરાયું હતું તેમજ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે બાળકોને સ્કુલબેગ, નોટબુક, વોટરબેગ, યુનિફોર્મ સહિતની શૈક્ષણિક કીટની ભેટ આપવામાં આવી હતી.
મંત્રીએ સણોસરા પ્રાથમિક શાળાની આંગણવાડીમાં ૨૦, બાલવાટિકામાં ૧૭ અને ધોરણ-૧ માં ૧૮ મળીને કૂલ ૫૫ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો, જ્યારે સણોસરી પ્રાથમિક શાળા ખાતે આંગણવાડીમાં ૨૧, બાલવાટિકામાં ૩૧ જ્યારે ધો-૧માં ૨૮ કુમાર અને કન્યા મળીને કુલ ૮૦ બાળકોને પ્રવેશ અપાવ્યો હતો.જ્યારે જામજોધપુરની તળાવનેશ પ્રા.શાળા, નાળિયેરા નેશ પ્રા.શાળા, પી.એમ.શ્રી તાલુકા શાળા તથા વિવિધ આઠ આંગણવાડીઓ ખાતે કૂલ ૧૧૪ ભુલકાઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવની આજથી ૨૦ વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂઆત કરાવી. સતત ૨૦ વર્ષથી રાજ્ય સરકાર દ્વારા યોજાતા આ ઉત્સવનો હેતુ 100 ટકા નામાંકન તેમજ આંગણવાડી-બાલવાટિકાના માધ્યમથી બાળકો શિક્ષણ તરફ પા-પા પગલી માંડે તે છે. શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો થકી વાલીઓમાં આજે જાગૃતતા આવી છે, શિક્ષકોમાં ઉત્સાહનો સંચાર થયો છે અને બાળકોને પ્રોત્સાહન મળ્યું છે જેના પરિણામે આજે ગામનું દરેક બાળક શિક્ષણ મેળવતું થયું છે. અને શાળા પ્રવેશોત્સવ એ ખરા અર્થમાં શિક્ષણનો તહેવાર બન્યો છે. સરકારની આ નવતર પહેલમાં આજે લોકોની પણ સહભાગીતા વધી છે જેના કારણે વાલીઓ તથા વિદ્યાર્થીઓને શિક્ષણરૂપી મીઠા ફળ મળી રહ્યા છે. નરેન્દ્રભાઇ મોદીની સરકારે નવી શિક્ષણનીતિ અમલમાં મૂકી શિક્ષણ ક્ષેત્રે નવસર્જન આણ્યું છે. જેના પરિણામે બાળકોને ભાર વગરનું અને સુવિધાસભર ભણતર પ્રાપ્ત થઈ રહ્યું છે. સરકારી શાળામાં સુવિધાઓ વધતા ખાનગી શાળાને બદલે સરકારી શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે. કાર્યક્રમની સાથે સાથે વિવિધ સ્થળોએ શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા શૈક્ષણિક કીટના દાતાઓનું બહુમાન કરાયું હતું તેમજ રક્તદાન કેમ્પ, વૃક્ષારોપણ તથા વોટરકુલર સહિતના સાધનોનું લોકાર્પણ કરવમા આવ્યું હતુ.
આ પ્રસંગે જામજોધપુર ખાતે શ્રી રાધારમણ સ્વામી, શ્રી વિવેકસાગર સ્વામી, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા, ઉપ સચિવ ડો.જતીન રાણોદરા, ઉપપ્રમુખ તા.પં.જામજોધપુર દેવાભાઈ પરમાર, કેટરીંગ એશોશિએશન પ્રમુખ દિપકભાઈ સંઘવી, સેકશન ઓફિસર વિરેન સોલંકી, પટેલ સમાજ જામજોધપુર પ્રમુખ હિરેનભાઇ ખાંટ, સણોસરા તથા સણોસરી ખાતે તાલુકા ભાજપ પ્રમુખ અરશીભાઇ કરંગીયા, લાલપુર યાર્ડના ડાયરેક્ટર કાનાભાઇ આંબલીયા, ગોવિંદનભાઇ વસરા, પોલાભાઇ ફળદુ તેમજ મામલતદારશ્રી, આચાર્યઓ, સરપંચ, અગ્રણીઓ, દાતાઓ, શિક્ષકગણ સહિત બહોળી સંખ્યામાં વાલીઓ તથા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
Advt.