૭૪ મો વન મહોત્સવ-૨૦૨૩
ગુજરાત ભૂમિ, ભાવનગર
ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી જ પ્રકૃતિનાં જતનનો મહિમા અનેરો છે. આપણા પૂર્વજો ઇકોલોજિકલ બેલેન્સના માહાત્મ્યને અદભુત રીતે સમજતા હતા અને એટલે જ દરેક ફળ, ફૂલ, છોડ, વૃક્ષ, નદી, પર્વત, સાગર, અને પશુ-પંખીનું ધાર્મિક અને સામાજિક મહત્વ હતું. વેદો, પુરાણો, ઉપનિષદો જેવા પૌરાણિક ગ્રંથોમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાંનિધ્યમાં રહેતો હતો. પૂર્વજોએ પ્રાચીન સમયથી આ વિષયોનો ગહન અભ્યાસ કરી આ અંગેની માહિતી સંગ્રહિત કરી છે. પૂર્વજો સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય માટે વૃક્ષોનું મહત્ત્વ સમજતા હતા. તેથી જ તેઓ વૃક્ષોની પૂજા કરતા હતા. આપણા મોટાભાગના ધાર્મિક તહેવારોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષોની પૂજા થાય છે.
વૃક્ષોના સંવર્ધન અને નિર્મૂલનને પાપ અને પુણ્ય સાથે જોડવા પાછળનો મૂળ હેતુ પ્રાણ અને પ્રકૃતિના સંતુલનને કાયમ રાખવાનો હતો. બૌદ્ધ શાસ્ત્રો પ્રમાણે પ્રકૃતિ જ જીવનની ઉદભવ દાતા અને પાલનહાર છે અને એટલે જ તેનું રક્ષણ દરેક અનુયાયીનો પરમ ધર્મ છે, જૈનોના તમામ ર૪ તીર્થંકરોને પરમજ્ઞાન વૃક્ષ હેઠળ જ લાધ્યું હતું.
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પીપળ સાથે પરમજ્ઞાન, વટવૃક્ષ સાથે પ્રાણાધાર, લીમડો, તુલસી, ગળો અને બીલીવૃક્ષ સાથે ચિકિત્સા વિજ્ઞાન, અશોક સાથે માનસિક શાંતિ, ચંદન સાથે આધ્યાત્મિકતા, નારિયેળી અને કેળ સાથે ઉત્સવ તો આંબા સાથે પ્રેમ અને ફળદ્રુપતા જોડાયેલી છે અને આવા તો કઇ કેટલાયે ઉદાહરણો છે. વૃક્ષોની આવી અસરો વિશે આધુનિક વિજ્ઞાન કદાચ સંમત ન પણ થાય. પરંતુ આપણી પરંપરાથી ચાલી આવતી માન્યતાઓ તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્યા પ્રમાણે દરેકગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્ય વૃક્ષ વર્ણવેલું છે.
ગ્રહ, નક્ષત્ર, રાશિ, ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને આસ્થાને કેન્દ્ર બિંદુમાં રાખી કરેલા વૃક્ષ વાવેતર અને વૃક્ષ સંરક્ષણથી માનવ સમાજ ઉપર તેની હકારાત્મક અસર થાય છે. આ વિચારને મૂર્તિમંત કરવા અને લોકોને સામૂહિક વૃક્ષારોપણ સાથે જોડવા વર્ષ-૨૦૦૪થી ગુજરાત સરકાર દ્વારા નવો અભિગમ અપનાવી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી સાથે સાંસ્કૃતિક વનોના નિર્માણનો નવો વિચાર અમલી બનાવાયો. દર વર્ષે રાજ્યના અલગ અલગ સ્થળોએ વન વિભાગ અને અન્ય સંસ્થાઓના સહયોગથી સાંસ્કૃતિક વનોનું નિર્માણ કરી સામાન્ય જનતાને વન સંરક્ષણ અને સંવર્ધન માટે જાગૃત કરવામાં આવે છે.
ગુજરાત વન મહોત્સવનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિ સાથે જોડવાનો છે. ઉપરાંત લોકોને વૃક્ષોનું સાંસ્કૃતિક અને પારંપરિક મહત્વ સમજાવવા માટે, વૃક્ષ ઉછેર સાથે લોકોને ભાવનાત્મક રીતે સાંકળવા, પર્યટનને પ્રોત્સાહન આપવા, આપણી પ્રાચીન સંસ્કૃતિથી લોકોને માહિતગાર કરવા, ધાર્મિક અને ઔષધિય વૃક્ષોથી વધુમાં વધુ લોકોને માહિતગાર કરવા, વૃક્ષ આચ્છાદન હેઠળનો વિસ્તાર વધારવામાં લોકોની સક્રિય ભાગીદારી, વૃક્ષો થકી લોકકલ્યાણ વધુ વૃક્ષો વાવો અને જતન કરો, વૃક્ષો પ્રત્યે લોકોમાં પ્રેમભાવના જાગૃત કરવી, જૈવિક વિવિધતા અને પર્યાવરણમાં સુધારો, ધાર્મિક સ્થળોનો વિકાસ, રોજગારી ઉત્પન્ન કરવા જેવા અનેક ક્ષેત્રે મદદરૂપ થયું છે.
રાજયમાં પર્યાવરણના જતન અને નવીન વનોના નિર્માણ માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નવતર પહેલને દાખવીને રાજયનાં વિવિધ જિલ્લાઓમાં સાંસ્કૃતિક વનોનું નિર્માણ કર્યું છે. જે અતર્ગત ચાલુ વર્ષે ૭૪ માં વન મહોત્સવની ગુજરાત રાજ્યમાં ઉજવણી થનાર છે.

ગુજરાતને હરિયાળી બનાવવાં તેમજ રાજ્યમાં વૃક્ષોની સંખ્યામાં વધારો કરવા દર વર્ષે યોજાતો વન મહોત્સવ એ અગત્યનો ભાગ ભજવે છે. ‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્રને સમગ્ર ગુજરાતભરમાં સાર્થક કરવાના ઉદ્દેશ સાથે આગામી તા.૫ ઓગસ્ટનાં રોજ રાજ્યનાં ૩૨ જિલ્લાઓમાં ૭૪માં વન મહોત્સવ-૨૦૨૩ મહાઅભિયાનની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવનાર છે.
દર વર્ષે ગુજરાતમાં રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામીણકક્ષાએ વિવિધ સ્વરૂપે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ‘વાવે ગુજરાત’ને ચરિતાર્થ કરી ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના હેતુ સાથે આ મહાઅભિયાનમાં આપણે સૌ જોડાઇ એક વૃક્ષ વાવવા માટેનો સંકલ્પ કરીએ. ઘરનાં સભ્યો દિઠ એક-એક વૃક્ષ આવીએ અને ગુજરાતને પ્રદુષણ મુક્ત રાજ્ય બનાવવા માટે પ્રયત્ન કરીએ.
