ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથના સોનારિયા, વડોદરા ઝાલા, સુત્રાપાડા અને ધામળેજ સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મંત્રી એ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા તેમજ સિંચાઈ વ્યવસ્થા અંગે સમિક્ષા કરી હતી અને સ્થાનિક ગ્રામજનોની રજૂઆતોને સાંભળી સત્વરે ઉકેલ લાવવા શીર્ષ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
સૌ પ્રથમ મંત્રીએ સર્કિટ હાઉસ ખાતે પાણી પુરવઠા, સિંચાઈ તેમજ વાસ્મોના શીર્ષ અધિકારીઓ સાથે બેઠક કરી ચિતાર મેળવ્યો હતો. જે પછી હિરણ નદી સાઈટ પર મુલાકાત લીધી હતી જ્યાં કાર્યપાલક ઈજનેર શ્રી કલસરિયાએ પાણી પુરવઠા તેમજ બાંધકામ અંગે મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં. જે પછી મંત્રીશ્રીએ સોનારિયા ગામે પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ આસપાસના ગામોમાં પાણી વિતરણ વ્યવસ્થા જળવાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી.
આ તકે મંત્રી એ વડોદરા ઝાલા મુકામે દરિયામાં જતા પાણીને રોકવા તેમજ ચોમાસાના પાણીનો સંગ્રહ કરવા નિર્માણાધિન બંધારાની કામગીરીનું જાતનિરિક્ષણ કર્યુ હતું અને પૂરક માહિતી મેળવી હતી. જે પછી ધામળેજ ખાતે ગ્રામ્યજનોની પીવાના પાણી તેમજ સિંચાઈના પાણી અંગેની રજૂઆતો સાંભળી હતી અને ખેડૂતોને સિંચાઈ માટે કેટલું પાણી આપવામાં આવે છે? ગ્રામ્યજનોને પીવા માટે કેટલું પાણી આપવામાં આવે છે ? અનધિકૃત પાણી કનેક્શનો સામે કડકાઈ વગેરે સંદર્ભે બારીકાઈથી માહિતી લીધી હતી અને ગ્રામ્યવિસ્તારમાં પાણી પુરવઠો જળવાઈ રહે અને આ બાબતે કોઈ વિક્ષેપ ઉભો ન થાય તેમજ પાણીનું વિતરણ સુનિયોજીત રીતે થાય તે અંગે શીર્ષ અધિકારીઓને તકેદારી રાખવા જણાવ્યું હતું. આ દરમિયાન મંત્રીએ ધામળેજ સંપની મુલાકાત લઈ વિતરણ વ્યવસ્થાનો અહેવાલ મેળવ્યો હતો.
મંત્રીની મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબહેન વાજા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પુરવઠા અધિકારી રાહુલ ગમારા, પાણી પુરવઠા બોર્ડ સુપ્રિટેન્ડન્ટ એન્જિ. એલ.એમ.સિંધલ સહિત પાણી પુરવઠા, સિંચાઈના શીર્ષ અધિકારીઓ અને મહેન્દ્રભાઈ પીઠિયા સહિતના અગ્રણીઓ તેમજ ગ્રામ્ય સરપંચઓ અને સ્થાનિક ગ્રામજનોની પણ ઉપસ્થિતિ રહી હતી.