ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
આગામી તારીખ 12 જૂનના રોજ સોમવારે સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નાના ભૂલકાઓ બાલવાટિકા અને પહેલા ધોરણમાં અભ્યાસ માટે પહેલી વખત શાળાએ આવશે. ત્યારે વિદ્યાની દેવી માતા શારદા બાળકો પર પ્રસન્ન રહે તેવી પ્રાર્થના સાથે સોમનાથ મહાદેવના પોષણ યુક્ત પ્રસાદ સ્વરૂપે ચીકી પ્રસાદ આપવામાં આવશે, જેના ઘટકોમાં ઉર્જા અને કેલરીનો મહત્વપૂર્ણ માત્રામાં રહેલી છે.
ચીકી પ્રસાદ ગ્રહણ કરીને બાળકનું મીઠું મોઢું પણ થાય અને તેને ઊર્જા પણ મળે શાળાએ પ્રથમ દિવસે આવવા વાળા બાળકોને સુદ્રઢક તરીકે ચીકી પ્રસાદ મળે જેનાથી બાળકની શાળાએ જવાની ઈચ્છા વધુ સબળ રીતે કેળવાય. અને મહાદેવના આશીર્વાદ તો ખરા જ. આવા બહુવિધ હેતુથી જિલ્લાના 6 તાલુકામાં 12,000 જેટલા બાળકોને સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરીને જિલ્લાના તમામ 6 તાલુકાના બી.આર.સી ભવન ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓને પહોંચાડવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની અધ્યક્ષતામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ જન કલ્યાણના અનેકવિધ પ્રકલ્પો ચલાવી રહ્યું છે, બાળકોને પોષણયુક્ત આહાર આપવાની મુહિમ ટ્રસ્ટ વર્ષોથી ચલાવી રહ્યું છે. વનીકરણ, વોટર હાર્વેસ્ટિંગ સહિતના અનેકવિધ પર્યાવરણ લક્ષી કાર્યો પણ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે સમાજમાં સકારાત્મક વાતાવરણ સર્જીને લોક કલ્યાણ ના કાર્યોમાં અગ્રેસર શ્રી સોમનાથ ટ્રસ્ટ ભૂલકાઓને શાળાએ આવકારવા પોષણયુક્ત ચીક્કી પ્રસાદ આપશે.