શાળા પ્રવેશોત્સવ: ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની
ગુજરાત ભૂમિ, ભાવનગર
૧૨ જૂનથી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે જે બાળકની ઉંમર એક જુનના રોજ ૫ વર્ષથી વધુ અને ૬ વર્ષથી ઓછી હોય તેને બાલવાટિકામાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ ૧ જૂન સુધી ૬ વર્ષ પૂર્ણ થયા હોય તેવા બાળકોને ધોરણ-૧ માં પ્રવેશ આપવામાં આવશે. બાળકની ૫ થી ૬ વર્ષની ઉમરના વચ્ચેના સમયગાળાના શિક્ષણ માટે સરકારશ્રી દ્વારા આ વર્ષથી “બાલવાટિકા” શરૂ કરવામાં આવી છે અને આ બાલવાટિકાઓ પ્રાથમિક શાળાઓમાં જ શરૂ કરવામાં આવશે. બાલવાટિકાનો અભ્યાસક્રમ બાળકો માટે પહેલા ધોરણનો સેતુ બનશે.
પ્રાપ્ત થયેલી માહિતી મુજબ શાળા પ્રવેશોત્સવ દરમિયાન ભાવનગર જિલ્લાના અંદાજિત ૧૮,૫૬૦ જેટલા બાળકોને બાલવાટિકામાં પ્રવેશ મેળવશે. બાલવાટિકામાં બાળકોને અસરકારક રીતે શીખવવામાં શિક્ષકોને મદદ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. બાલવાટિકા અભ્યાસની વાત કરવામાં આવે તો તેમાં બાળકોને ચિત્રના માધ્યમથી ફળ, ફૂલ, પશુઓ અને પક્ષીઓને ઓળખવા, ચિત્રોમાં રંગ પુરવા, આંકડાઓને ઘુંટવા અને લખવા સહિતનું શિક્ષણ રસપ્રદ રીતે આપવામાં આવશે. ભાવનગર તાલુકામાં ૨૫૭૫, ધોધા તાલુકામાં ૧૨૪૯, તળાજા તાલુકામાં ૩૫૮૫, મહુવા તાલુકામાં ૩૭૫૪, જેસર તાલુકામાં ૮૮૫, પાલિતાણા તાલુકામાં ૨૧૧૮, ગારીયાધાર તાલુકામાં ૮૧૨, સિહોર તાલુકામાં ૨૦૭૩, ઉમરાળા તાલુકામાં ૭૧૩, વલ્લભીપુર તાલુકામાં ૭૯૬ એમ ભાવનગર જિલ્લામાં અંદાજિત ૧૮૫૬૦ બાળકો બાલવાટીકામાં પ્રવેશ મેળવશે.