ગુજરાત ભૂમિ, જામનગર
ઘેટા-બકરામાં જોવા મળતો પીપીઆર (પેસ્ટે-ડેશ-પેટીટસ રુમીન-ટસ) રોગ એ અગાઉ ગાય-ભેંસ જેવા મોટા પશુઓમાં જોવા મળતા RP (રીન્ડર પેસ્ટ) પ્રકારનો રોગ છે. આ રોગમાં પશુઓને ઝાડા અને શરદી થઈ જાય છે. PPR રોગને વૈશ્વિક સ્તરે OIE દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં નાબૂદ કરવાના લક્ષ્યાંક સાથે ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં PPR રોગ નાબૂદી માટેનો લક્ષ્યાંક રાખવામાં આવેલ છે. સદરહુ કાર્યક્રમના સફળ અમલીકરણ અર્થે જામનગર જિલ્લામાં તા.૧૬/૧૨/૨૦૨૪ થી ૧૫/૦૧/૨૦૨૫ દરમિયાન પશુપાલન શાખાની ટીમ દ્વારા ઘેટા-બુકરા વર્ગના નાના પશુઓમાં PPR રોગ અટકાવ અને નિયંત્રણ અર્થે રસીકરણ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. રસીકરણ ઝુંબેશ અંતર્ગત જામનગર જિલ્લામાં રસીકરણ કરવાપાત્ર કુલ ૨,૭૬,૦૦૦ થી વધુ ઘેટા-બકરા વર્ગના પશુઓને રસી આપવામાં આવશે. હાલમાં 21મી પશુધન ધરતી ગણતરી પણ કાર્યરત હોય સ્થળાંતરિત પશુપાલકો કે જેઓ અન્ય જિલ્લામાંથી જામનગર જિલ્લા ખાતે તેમનો ઘેટા-બકરા સાથે આવેલ હોય તેઓનું પણ વસ્તી ગણતરી અને PPR રસીકરણ કરવામાં આવશે.તેમ જિલ્લા પશુપાલન અધિકારી તેજસ શુક્લાની યાદીમાં જણાવાયું છે.
ઉલ્લેખનિય છે કે જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના મોટા પશુઓમાં ખરવા-મોવાસા રોગ સામે રક્ષણ આપવા માટે શરૂ થયેલ રસીકરણ ઝુંબેશ પૂર્ણ થયેલ છે. આ ઝુંબેશ અંતર્ગત કુલ ૨,૫૬,૩૦૦ ગાય અને ભેંસને રસીકરણ કરવામાં આવ્યું હતુ.અને હાલમાં ઘેટા-બકરામાં રસીકરણ ઝુંબેશનો પ્રારંભ થયેલ છે.