ગુજરાત ભૂમિ, વલસાડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના મોટાપોંઢા ખાતે આવેલી શ્રી મુમ્બાદેવી આટર્સ એન્ડ શ્રીમતી એસ.આર. ચમારીયા કોમર્સ કોલેજમાં ‘પર્યાવરણ જાગૃતિ અભિયાન’ અંતર્ગત ધરમપુર તાલુકાના ખોબા ગામ સ્થિત લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ટ્રસ્ટી નિલમભાઈ પટેલનું વકતવ્ય યોજાયું હતું. જળ, જમીન અને જંગલ’ને ધ્યાનમાં લઇ વિવિધ ઉદાહરણો થકી યુવાપેઢી સમક્ષ નિલમભાઈ પટેલે પ્રેરક વકતવ્ય આપતા જણાવ્યું કે, જળ, જંગલ અને જમીન એ આપણો સામુદાયિક વારસો છે. જેનું જતન કરવુ ખૂબ જ જરૂરી છે. જંગલો રહેશે તો જમીનનું ધોવાણ અટકશે. આપણા ધરમપુર અને કપરાડામાં ૧૦૦ થી ૧૨૫ ઈંચ વરસાદ પડે છે, વૃક્ષો હશે તો વરસાદનું પાણી મૂળિયા થકી જમીનમાં ઉતરશે જેથી જમીનમાં ભેજ રહેશે અને ખેતીના પાકોમાં લાભ મળશે. જંગલો નાશ પામતા અટકાવવા માટે નવી પેઢીએ જંગલ સંવર્ધનનું કામ કરવુ જોઈએ. આપણા સામુદાયિક વારસાનો ખપપૂરતો ઉપયોગ કરવો જોઈએ જેથી નવી પેઢીને પણ આ સામુદાયિક વારસાનો લાભ મળી શકે. જો આપણે પર્યાવરણનું જતન નહીં કરીશુ તો કુદરતી સંતુલામાં હસ્તક્ષેપ કહેવાશે.
પ્રદૂષણ સામે વર્ષોથી જંગલો આપણુ રક્ષણ કરી રહ્યા છે તેમના થકી જ કાર્બન અને અન્ય ઝેરી હવા સામે રક્ષણ મળે છે. જો આપણે સમય સર નહિ જાગીએ તો કલાયમેન્ટ ચેન્જની અસર વર્તાશે હવે જાગૃત થઈ જળ, જંગલ અને જમીનનું જતન કરવાની જવાબદારી ગ્રામજનોની સાથે સાથે શહેરીજનોની પણ એટલી જ છે. અને એટલે જ હવે દેશના યુવાધને પણ પર્યાવરણને બચાવી લેવા માટે ઝૂંબેશ ઉપાડી લેવી જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના પ્રમુખ કેતનભાઈ પટેલ અને ઈન્ચાર્જ આચાર્ય ડૉ. એસ. યુ. પટેલના માર્ગદર્શન હેઠળ ચર્ચાસભાના અધ્યક્ષ ડૉ. આશા ગોહિલ તથા પ્રા. વી. એન. દેસાઈ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સંચાલન ડૉ. આશા ગોહિલે કર્યું હતું. ઈન્ચાર્જ પ્રિ. ડૉ. એસ. યુ. પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. કોલેજ પરિવારમાંથી પ્રા. આર. એલ. પટેલ, પ્રા. એ. જે. ઠાકોર, પ્રા. ડૉ. એસ. એન. પટેલ ઊપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં માટે વિદ્યાર્થીઓ તથા રાજુભાઇ સોલંકી તથા નર્મદાબેન પટેલે જહેમત ઉઠાવી હતી.