ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત દરમિયાન ગીરગઢડા અને પ્રાંચી ખાતે વિવિધ સિંચાઈ કાર્યોની સમીક્ષા કરી હતી. મંત્રીએ ગીર ગઢડા ખાતે મચ્છુંદ્રી સિંચાઈ યોજનાની ડેમ સાઇટ પર મુલાકાત લીધી હતી. આ ક્ષણે ઉપસ્થિત ઉના ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ દ્વારા મંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મંત્રીએ પીછવી નાની સિંચાઈ યોજના તેમજ પ્રાંચી ખાતે પાણી પુરવઠા જૂથ યોજના-૧ અને ૨ની પણ મુલાકાત લીધી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ કેનાલ લાઇનના કામ, માઈનોર કેનાલ અને સબ માઈનોર કેનાલમાંનવીનીકરણ, માળખાગત કામગીરી ગીરગઢડા અને ઉના તાલુકામાં ચેકડેમ બનાવવા, સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત વધુ કામો કરવા વગેરે જેવી જિલ્લા પંચાયત સદસ્યની રજૂઆતોને સાંભળી હતી અને તમામ કામો અંગે ઉચ્ચ અધિકારીઓને જરુરી સૂચનાઓ આપી મહત્વની બાબતો તરફ ધ્યાન દોર્યું હતું તેમજ પ્રગતિ હેઠળના કામો સમયસર અને આયોજનબદ્ધ રીતે પૂરા કરવા ખાસ સૂચના આપી હતી.
ગીરગઢડા ઉપરાંત મંત્રીએ વેરાવળ તાલુકાના પ્રાંચી પાણી પુરવઠા જૂથ યોજના-૧ અને ૨ની પણ મુલાકાત લઈ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાણીના પૂરવઠા અંગેની વિગતો અને વિતરણ આયોજન અંગે માહિતી પણ મેળવી હતી. મંત્રીની મુલાકાત દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી રાહુલ ગમારા, મામલતદાર ગીરગઢડા વી.ડી.રથવી, ગીર સોમનાથ સિંચાઈ વિભાગ કાર્યપાલક ઇજનેર(રાજ્ય) એ.પી કલસરિયા, કાર્યપાલક ઇજનેર પંચાયત (સિંચાઈ) એસ. એલ. રાઠોડ, મચ્છુન્દ્રી ડેમ નાયબ કાર્યપાલક ઇજનેર જે.જે પટેલ તેમજ પાણી પુરવઠા અને જળસિંચાઈના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપરાંત ગ્રામ્યજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.