ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય તથા ભારતીય ભાષા સમિતિ, શિક્ષણ મંત્રાલય, ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય શબ્દશાળા કાર્યશાળાના તૃતીય તથા અંતિમ દિવસે ત્રણ વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. જેમાં પ્રશિક્ષણાર્થીઓએ બેંકિંગ-યંત્રો, તેમજ આધુનિક રમતોના શબ્દ નિર્માણ વિશે પ્રશિક્ષણાર્થીઓએ જ્ઞાન મેળવ્યું હતું.
પ્રથમ સત્રના વ્યાખ્યાતા આચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યાએ બેંક સંબંધિત શબ્દો જેવા કે લોન, ઇન્વેસ્ટ, ચેક, ફંડ વગેરે શબ્દોનું નિર્માણ સંસ્કૃત માં પાણિનિના સુત્રો દ્વારા સિદ્ધ કેવી રીતે થઈ શકે તેના વિશે માહિતી આપી. બીજા સત્રના વ્યાખ્યાતા સત્યપ્રકાશ દુબેએ આધુનિક યંત્રોનું શબ્દ નિર્માણ અને તેનો શબ્દકોશ રજૂ કર્યો. સુરાઓનું રાષ્ટ્ર સૌરાષ્ટ્ર તથા વિશ્વકોશ, એકાક્ષરકોશ વગેરે જેવા વિભિન્ન શબ્દોકોશની પણ વાત કરી.
કાર્યશાળાના અંતિમ વ્યાખ્યાતા રૂપે ઝુંઝુનુ સ્થિત સ્વામિવિવેકાનંદ ગવર્મેન્ટ કોલેજના સહાયકાચાર્ય ડો. રામનારાયણ ઝાએ આધુનિક રમતને લગતા શબ્દો વિશે માહિતી આપી હતી જેમાં તેમણે શબ્દ નિર્માણની વિધિ પણ દર્શાવી હતી. ત્રણ વ્યાખ્યાનો બાદ આ કાર્યશાળાના સમાપન સત્રનું આયોજન શૈક્ષણિક ભવનના સભાખંડમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને વિશ્વવિદ્યાલય દ્વારા સંચાલિત મહાવિદ્યાલયના પ્રાચાર્ય ડો. નરેન્દ્રકુમાર પંડ્યા, વિશ્વવિદ્યાલયના કુલ સચિવ ડો. દશરથ જાદવ, કાર્યશાળાના સંયોજક પ્રો. વિનોદકુમાર ઝા પણ હાજર રહ્યા હતા.
સમાપન કાર્યક્રમનો આરંભ દીપ પ્રજ્વલન અને વૈદિક મંત્રો દ્વારા કરવામાં આવ્યો. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યશાળાના સંયોજક ડો. વિનોદકુમાર ઝાએ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ડો. જાનકીશરણ આચાર્યએ નેટ-સ્લેટ પ્રશિક્ષણ વર્ગોના આયોજન વિશે માહિતી આપ્યા બાદ કાર્યશાળાના ત્રણ પ્રશિક્ષણાર્થીઓએ પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.
આ તકે, કાર્યક્રમના અધ્યક્ષ ડો. નરેન્દ્રકુમાર પંડ્યાએ પોતાનું વક્તવ્ય આપ્યું અને સર્વે પ્રશિક્ષણાર્થીઓને પ્રમાણપત્ર વિતરણ પણ કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન સત્રની આભારવિધિ ડો. ઉમામહેશ્વરીએ કરી હતી જ્યારે સંચાલન સંયોજિકા ડો. વિદુષી બોલ્લાએ કર્યું હતું.