ગુજરાત ભૂમિ, વલસાડ
પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ વ્યસન મુક્તિ નાટક અને દેશભક્તિના ગીતો રજૂ કરતા માહોલ દેશભક્તિમય બન્યો
અભ્યાસમાં વોટ્સઅપ અને યુટ્યુબ કેવી રીતે ઉપયોગી થઈ શકે તેનું ડેમોસ્ટ્રેશન પણ પ્રજ્ઞાચક્ષુઓએ આપ્યું વલસાડના નનકવાડા સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા સંચાલિત સંસ્થાના ધો. 1 થી 12 અને કોલેજ સુધીના 130 પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સાથે વલસાડના મોટા બજાર સ્થિત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મેઈન બ્રાંચ દ્વારા 74માં પ્રજાસત્તાક પર્વની સંસ્થાના સંકુલમાં હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા મુખ્ય બ્રાંચના ચીફ મેનેજર રોહિણી ગોયલે સ્ટેટ બેંક હંમેશા તમારી સાથે છે એવી ખાતરી આપી ભવિષ્યમાં પણ જ્યારે સ્ટેટ બેંકની સેવાની જરૂર જણાય તો બેંક હંમેશા નેશનલ એસોસિએશન ફોર ધી બ્લાઈન્ડની સેવામાં તત્પર રહેશે એવો વિશ્વાસ અપાવ્યો હતો. સ્ટેટ બેંકની સ્ટેશન રોડ શાખાના મુખ્ય પ્રબંધક બિરજુ શર્માએ સ્ટેટ બેંક સમાજ ઉપયોગી અનેક વિધ કાર્યક્રમો કરી સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવી રહી હોવાનું જણાવ્યું હતું.
એનએબીના માનદ મંત્રી રામભાઈ પટેલે ધર્મપત્ની સીતાબેન સાથે ધ્વજવંદન કરી જણાવ્યું કે, દેશની આઝાદીમાં બલિદાન આપનાર સ્વાતંત્ર્યસેનાનીઓ અને દેશની રક્ષા માટે સરહદ પર શહીદ થયેલા જવાનોને આજના રાષ્ટ્રીય પર્વે કોટી કોટી વંદન છે. આ સંસ્થા દ્વારા 130 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રહેવા અને જમવાની નિઃશૂલ્ક સુવિધા પુરી પડાઈ છે. આ સિવાય પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ સરકારી નોકરીમાં ઉપયોગી સીસીસીનો કોર્સ અને સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની તાલીમ પણ અપાઈ છે. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ બાળકોએ સ્વાગત ગીત, પ્રાર્થના, દેશભક્તિગીત, તબલાવાદન અને હારમોનિયમ વડે સમગ્ર માહોલને દેશભક્તિના રંગે રંગી દીધો હતો. એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ સ્માર્ટ ફોનમાં ગુગલ આસિસ્ટન્ટની મદદથી કેવી રીતે વોટ્સઅપ અને યુટ્યુબનો અભ્યાસમાં ઉપયોગી થઈ શકે તેનું કુશળ ડેમોસ્ટ્રેશન આપી સૌને અચંબિત કર્યા હતા. આ સિવાય વ્યસન મુક્તિ વિષય પર નાટક પણ વિદ્યાર્થીઓએ રજૂ કર્યું હતું. સ્ટેટ બેંકની મોટા બજાર સ્થિત મેઈન બ્રાંચ દ્વારા બાળકોને મીઠાઈ અને ગીફટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસબીઆઈ મેઈન બ્રાંચના અધિકારી હેતલ પટેલ, પ્રતિક્ષા તલાવિયા અને ભાનુમતી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન સંસ્થાના માનદ મંત્રી રામભાઈ પટેલે કર્યું હતું. જ્યારે આભારવિધિ સંસ્થાના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અમી પટેલે કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સના ઈન્સ્ટ્રક્ટર રાજેશ બારોટે કર્યું હતું.