ગુજરાત ભૂમિ, સુરત
સુરત જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને આયોજિત સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૧૮-૧૯થી ૨૦૨૨-૨૩ના વર્ષ દરમિયાનના વિકેન્દ્રિત જિલ્લા આયોજનની વિવિધ યોજના હેડળ પ્રગતિવાળા, શરૂ ન થયેલા વિકાસકામોની સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા પણ જોડાયા હતા. જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રભારી મંત્રી કનુભાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસકામો ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદા શરૂ થાય અને પુર્ણ થાય તે જરૂરી છે. આયોજન મંડળ હેઠળ લેવામાં આવેલા વિકાસકામોને બિનજરૂરી રીતે હેતુફેર ન થાય તેની તકેદારી લેવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આંતરમાળખાકીય સુવિધાઓના સુગ્રથિત વિકાસ થકી નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા માટે રાજ્ય સરકાર મકકમ નિર્ધાર સાથે આગળ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખૂટતી સુવિધાઓના કામોને પ્રાધાન્ય આપવા તેમજ આયોજન હેઠળના વિકાસકામોનું મોનિટરીંગ કરીને પૂર્ણ કરવા માટેના સઘન પ્રયાસો કરવા જણાવ્યું હતું. સૌના સહયોગથી વિકાસના કામો પાર પાડવાથી જનતા જનાર્દનનું હિત જળવાશે. જે કામો રદ્દ થાય કે તુરંત જ તેની સામે નવા વિકાસ કામો હાથ ધરાય તે મુજબ આયોજન કરવાથી લોકોની અપેક્ષા સંતોષી શકાશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.
આ બેઠકમાં આયોજન મંડળના વિવિધ કામોની પોર્ટલ પર સમયસર ડેટા એન્ટ્રી કરવા, વિકાસકામોને થર્ડ પાર્ટી વેરીફીકેશન અંતર્ગત ચકાસણી કરવા સહિત ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા કામો બાબતે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા આયોજન હેઠળની વિવિધ જોગવાઇઓ ૧૫% વિવેકાધીન, ૫% પ્રોત્સાહક, ATVT યોજના, ધારાસભ્ય ફંડ, વિકાસશીલ તાલુકા જોગવાઇ અને MPLADS હેઠળ મંજૂર થયેલા કામોની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ધારાસભ્ય સર્વ સંદિપભાઈ દેસાઈ, મનુભાઈ પટેલ, જિલ્લા કલેકટર આયુષ ઓક, જિલ્લા વિકાસ અધિકારી બી. કે. વસાવા, પ્રાદેશિક નગરપાલિકા નિયામક અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેક્ટર વાય.બી.ઝાલા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એમ.બી. પ્રજાપતિ, જિલ્લા આયોજન અધિકારી વી.સી.માંડવીયા, જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ સહિત ઉચ્ચ અમલીકરણ અધિકારીઓએ વિકાસકેડીને કંડારવા મળેલી આ બેઠકમાં ઉપસ્થિત રહી ચર્ચામાં સહભાગી બન્યા હતા.