ગુજરાત ભૂમિ, મહેસાણા
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયત ખાતા દ્વારા ઉંઝા તાલુકા ના વરવાડા ગામે બાગાયતી પાકોમાં સજીવ ખેતી વિશે તાલીમ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૨૦ તાલીમાર્થીઓને બાગાયતી પાકોમાં સજીવ ખેતી, બાગાયતી પેદાશોનુ મુલ્યવર્ધન અને બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિષે માર્ગદર્શન મેળવ્યું હતું. અત્રે ઉલ્લેખીય છેકે રાજ્યમાં મહેસાણા જિલ્લામાં કાગદી લીંબુનું વાવેતર ખૂબ જ મોટા પ્રમાણમાં થયેલ છે અંદાજે લગભગ ૧૩,૫૦૦ હેક્ટર વિસ્તારમાં લીંબુ પાકનું વાવેતર થાય છે તેમજ ૧.૯૦ લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન એટલે કે ગુજરાત રાજ્યના ૩૦% ઉત્પાદનમાં મહેસાણા જિલ્લાનું યોગદાન છે.
મહેસાણા જિલ્લામાં ખેડૂતો લીંબુ પાકમાં એકમ વિસ્તારમાંથી મહતમ ઉત્પાદન મેળવી નિકાસલક્ષી ખેતીનો બહોળા પ્રમાણમાં લાભ લઇ શકે તે હેતુથી નાયબ બાગાયત નિયામકની કચેરી મહેસાણા દ્વારા વિસનગર તાલુકાના સુંશી ગામ ખાતે આવેલા ૧૧ હેક્ટરમાં પથરાયેલ લીંબુ ફળ પાક માટેના સેન્ટર ઓફ એક્સલન્સ ખાતે લીંબુ પાક પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારમાં મહેસાણા જિલ્લાના અંદાજીત ૨૦૦ જેટલા ખેડુત ભાઈઓ અને બહેનોને લીંબુ પાકમાં વાવેતર, રોગ જીવાત નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, વેચાણ વ્યવસ્થા અને વર્ષો જૂની લીંબુની વાડીઓનું નવીનીકરણ તેમજ લીંબુ પાકમાંથી બનતી વિવિધ બનાવટો ઉપર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.
આ પરિસંવાદમાં મહેસાણા વિભાગીય કચેરી, મહેસાણાના વડા સંયુકત બાગાયત નિયામક ડૉ.એફ. કે. મોઢ, સંયુકત ખેતી નિયામક કે. એસ. પટેલ, નાયબ બાગાયત નિયામક જે.બી. સુથાર, નાયબ ખેતી નિયામક એસ. એસ. પટેલ, દાંતીવાડા યુનિવર્સિટી હસ્તકના જગુદણ બાગાયત કોલેજના પ્રાધ્યાપક અને વડા ડો. પિયુષ વર્મા, કેવીકે ખેરવાના વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલ તેમજ હરિયાણા રાજ્યના મંગીયાણા લીંબુ રિસર્ચ સેન્ટરના નિવૃત્ત વૈજ્ઞાનિક ડૉ . એ. એસ. પૂનીયા, બાગાયત ખાતાનાં અધિકારીઓ પી.બી.ચૌધરી, એન.આર.સોંદરવા, એચ.એસ.પ્રજાપતિ, બી.ડી.ચૌધરી તથા આત્માં કચેરીનાં બી.ટી.એમ. આર.એમ.પટેલ તથા ડી.એસ.સી., અમદાવાદથી આર.બી.પટેલ તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિત રહ્યા હતા એમ નાયબ ખેતી નિયામક એન.આર.સોંદરવા ની અખબારી યાદીમાં જણાવાયું છે.