ગુજરાત ભૂમિ, બારડોલી
બારડોલી સ્થિત આસ્થાધામ અગાસી માતા ન્યાય મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના સુવર્ણ જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે જનસેવાર્થે નવનિર્મિત ધનુબા બાલુદાસ E.N.T (કાન-નાક-ગળા) સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલનું લોકાર્પણ સામાજિક ન્યાય અધિકારિતા અને શિક્ષણ રાજ્યમંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, અગાસી માતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ આરોગ્ય અને માનવ સેવાની યાત્રા અવિરત રહે તેવી પ્રાર્થના કરી છે. આપણી ગુજરાત સરકાર પણ રાજ્યના દરેક નાગરિકના સ્વાસ્થ્ય માટે કટિબદ્ધ છે. આરોગ્ય ક્ષેત્રે સુવિધાઓ પૂરી પાડવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આયુષ્માન કાર્ડ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળતી હતી. પરંતુ, ગુજરાતની નાગરિકો પ્રત્યેની સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણી રાજ્ય સરકારે તેમાં વધુ પાંચ લાખ રૂપિયાનો ઉમેરો કર્યો છે. હવે આયુષ્માન કાર્ડ અંતર્ગત નાગરિકોને કુલ દસ લાખ રૂપિયા સુધીની મફત આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવી છે. સરકારનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે, આર્થિક તંગીના કારણે કોઈ પણ ગરીબ વ્યક્તિ સારવારથી વંચિત ન રહેવો જોઈએ એમ તેમણે જણાવ્યું હતું.
