ગુજરાત ભૂમિ, દાહોદ
ભારતના ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી – જિલ્લાકક્ષાનો કાર્યક્રમ વન અને પર્યાવરણ પરિવર્તન આબોહવા વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાના અધ્યક્ષ સ્થાને ગોવિંદગુરુ તાલુકાના કારઠ મુકામે યોજાનાર છે. આજરોજ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે એ ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે આખરી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી પૂર્વે પ્રોટોકોલ મુજબ સમગ્ર કાર્યક્રમનું ક્રમશ: રિહર્સલ યોજાયું હતું.
રિહર્સલના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એ પરેડ નિરીક્ષણ કર્યું હતું. સાથે પોલીસ જવાનોની માર્ચ પાસ્ટ પણ યોજાઈ હતી. ઉપરાંત દેશભક્તિ-શૌર્ય-સંસ્કૃતિને પ્રદર્શિત કરતી વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, ૭૭માં ‘પ્રજાસત્તાક પર્વ’ની ઉજવણી નિમિત્તે જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા આરોગ્ય, પ્રાકૃતિક કૃષિ સહિતના વિષયોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવશે. ભારતની સૌથી મોટી શક્તિ તેની વિવિધતામાં એકતા છે. ભારતના અનેક સ્વાતંત્ર્યવીરો-વીરાંગનાઓએ દેશની આઝાદીમાં પોતાનું અનન્ય બલિદાન આપ્યું છે. ભારતના બંધારણ ઘડવૈયાઓએ દૂરંદેશી સાથે બંધારણ ઘડતર કરીને દેશને ચોક્કસ દિશા આપી છે. તા. ૨૬મી જાન્યુઆરી,૧૯૫૦ના રોજ ભારતના બંધારણને માન્યતા મળતાંની સાથે જ વિશ્વની સૌથી મોટી અને સમૃદ્ધ લોકશાહી અસ્તિત્વમાં આવી હતી. ભારતનું લેખિત બંધારણ ભારતની લોકશાહીને ગૌરવાંવિત કરી રહ્યું છે. ભારત સતત અને અવિરત વિકાસના નવા આયામો સર કરી રહ્યું છે. આવો, સૌ જિલ્લાકક્ષાની ૭૭માં ગણતંત્ર-પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સહભાગી બનીને “એક ભારત, શ્રેષ્ઠ ભારત”ની શક્તિને વધુ બળવાન બનાવીએ.
આ વેળાંએ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, નિવાસી અધિક કલેકટર જે.એમ.રાવલ,પ્રાંત અધિકારી એ.કે.ભાટિયા, પ્રાંત અધિકારી ભગોરા, માર્ગ અને મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇજનેર હિમાનીબેન શાહ, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી આરતભાઈ બારિયા,મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો ઉદય ટીલાવત,નાયબ પશુપાલન નિયામક ડો. કે.એલ.ગોસાઈ, નાયબ પોલીસ અધિક્ષક રાઠોડ,નાયબ પોલીસ અધિક્ષક પટેલ, સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ, શાળાના બાળકો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
