હિન્દ ન્યુઝ, સુરત
પતંગ માટે પ્રખ્યાત સુરતના રાંદેર ફકીરવાડના રમજુબેન પતંગવાલા અને તેમની બહેનો એક સિઝનમાં જાતે બનાવીને વેચે છે ૫૦થી ૬૦ હજાર પતંગ
સુરતી રંગીન અને સુપર વ્હાઈટ કાગળમાંથી બનાવે છે સાડી સત્તાવીસ ચીલ, ચોત્રીસ પોણીયા, સાડત્રીસ અડદિયા, રોકેટ અને પ્રિન્ટ સહિતની પતંગની અન્ય વેરાઈટી
ઉત્તરાયણ પર્વના દિવસો અગાઉ જ રાંદેરના પ્રખ્યાત પતંગ માર્કેટમાં સુરતીઓની ભીડ ઉમટી પડે છે. જેનું કારણ છે ત્યાં વસતા વર્ષો જૂના પતંગના વ્યાપારીઓ, જેઓ પરંપરાગત રીતે પેઢીઓથી પતંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
૩૫ વર્ષથી પતંગ વ્યવસાય સાથે જોડાયેલા રમજુબેન પતંગવાલા તેમના દાદા અને પિતા બાદ હવે અન્ય ૭ બહેનો સાથે મળીને પતંગ વ્યવસાયની ડોર સંભાળી રહી છે. આ એક જ પરિવારની ૮ બહેનોની ત્રીજી પેઢી ૭૫ વર્ષ જુનો પતંગ વ્યવસાય આગળ ધપાવી રહી છે.
આ વિષે વધુ જણાવતાં રમજુબેન કહે છે કે, અમે બધી બહેનો સાથે મળીને વારસાગત વ્યવસાયમાં આગળ વધ્યા છીએ. નાનપણથી જ ઘરમાં પિતાને આ કામ કરતા જોયા હતા એટલે પતંગનાં વ્યવસાય સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે. અમે થોડા મહિના પતંગ બનાવવાની મજૂરી કામ કર્યા બાદ જુન-જુલાઈથી અમારા પોતાના પતંગ બનાવવાનું શરુ કરી દઈએ છીએ. અને શરૂઆતમાં રોજના ૬-૮ કલાક અને ઉત્તરાયણ નજીક આવતા રોજનાં ૧૦-૧૨ કલાક કામ કરીએ છીએ.
