હિન્દ ન્યુઝ, સોમનાથ
B પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં જીવ માત્રનું કલ્યાણ થઈ રહ્યું છે. દાદાની દિવ્ય આશિષમાં સોમનાથની સ્થાનિક મહિલાઓ રોજગારી મેળવી સ્ત્રી સશક્તિકરણ તરફ આગળ વધી રહી છે. સોમનાથ મહાદેવ મંદિરમાં સમાનઘરથી લઈ આકાશે લહેરાતી ધજા સુધી અને બિલ્વવનથી લઈને વસ્તુ પ્રસાદ સુધી મંદિર ટ્રસ્ટ દ્વારા ફક્ત સ્થાનિક મહિલાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે.
ભગવાન સોમનાથની પાવન ભૂમિ પરથી આસ્થા, સ્ત્રીસશક્તિકરણ અને આત્મનિર્ભર ભારતનો એક નવો અધ્યાય લખાયો છે. અહીં, મહાદેવને અર્પણ થતાં પીતાંબર હવે માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ દાદાના વસ્ત્રો ગ્રામીણ મહિલાઓના આર્થિક સ્વાવલંબનનું માધ્યમ બન્યા છે. શ્રી સોમનાથ ટ્રસ્ટની એક અનોખી પહેલ અંતર્ગત, આ પવિત્ર વસ્ત્રોમાંથી કલાત્મક અને આકર્ષક કુર્તા તૈયાર કરવામાં આવે છે, જે દેશ-વિદેશના શિવભક્તો સુધી મહાદેવના પ્રસાદ બનીને પહોંચ્યા છે જેની સાથે સોમનાથની આસપાસના ગામોની મહિલાઓને ‘લખપતિ દીદી’ બનાવવાનો માર્ગ પણ મોકળો થયો છે.
