ગુજરાત ભૂમિ, દાહોદ
આ જનજાતિય ગૌરવ યાત્રામાં ગુજરાત રાજ્યના આદિજાતિ તથા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ મંત્રી પી. સી. બરંડા, સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઇ ભાભોર સહિત અન્ય પદાધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ બાંડીબાર ગામ ખાતે ગૌરવ રથયાત્રા પહોંચતા સૌ મહાનુભાવો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સૌ મહાનુભાવો રેલીમાં જોડાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ રથયાત્રાએ દાહોદ જિલ્લામાંથી પ્રસ્થાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભગવાન બિરસા મુંડાએ આપણી આઝાદી માટે અંગ્રેજો સામે પોતાના સાથીઓ સાથે લડત આપી શહીદી વહોરી હતી. બિરસા મુંડાએ લોકહિતના કાર્ય કરીને આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે પરિણામલક્ષી પગલાં લીધા છે. ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. બિરસા મુંડાની યાદમાં જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ ઉજવવાની શરૂઆત કરનાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦ મી જન્મજયંતિ તા. ૧૫ નવેમ્બરના રોજ સમગ્ર દેશભરમાં ધામધૂમથી ઉજવાશે.
