ગુજરાત ભૂમિ, તાપી
તાપી જિલ્લાના માણેકપુર ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત રતિલાલભાઈ વસાવાના ફાર્મની મુલાકાત લીધી. જ્યાં રાજ્યપાલએ સ્વયં હળ તેમજ બળદ ગાડું ચલાવ્યું અને ગાય દોહી હતી.
રાજ્યપાલએ ત્યાં ઉપસ્થિત પ્રાકૃતિક કૃષિ તરફ વળેલા ખેડૂતો સાથે સંવાદ સાધતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતી પદ્ધતિ નથી, પરંતુ પ્રકૃતિ સાથેના સહઅસ્તિત્વનો માર્ગ છે. ગાય આધારિત ખેતી જમીનનું આરોગ્ય, પાણીનું સંવર્ધન અને માનવનું સ્વાસ્થ્ય જાળવી શકે છે.

આ પ્રસંગે રાજ્યપાલએ ખેતર પર ઉપયોગમાં લેવાતા જીવામૃત, ઘનજીવામૃત અને ગૌ આધારિત બાયો ઈનપુટ અંગે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું.
તાપી જિલ્લાના પ્રવાસ દરમિયાન રાજ્યપાલએ ઉચ્છલ તાલુકાના માણેકપુર ગામે સરકારી પ્રાથમિક શાળાના એક સામાન્ય ઓરડામાં રાત્રિ રોકાણ કર્યું.

