ગુજરાત ભૂમિ, દાહોદ
દાહોદમાં આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management)ની સજ્જતા વધારવા અને સ્થાનિક સ્તરે સ્વયંસેવકોનું મજબૂત માળખું ઊભું કરવાના ઉદ્દેશથી, દાહોદ- પાવડી કેમ્પ, એસ.આર.પી. ગ્રુપ-૦૪ ખાતે ‘આપદા મિત્રો’ માટેની વિસ્તૃત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ શિબિર તારીખ ૦૧-૧૧-૨૦૨૫ થી તારીખ ૦૭-૦૧-૨૦૨૬ સુધી સતત ચાલશે, જેમાં દર અઠવાડિયે આશરે ૫૦ જેટલા નવા આપદા મિત્રોની બેચ તાલીમ મેળવશે.
દાહોદ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ દ્વારા કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી અને તાલીમ પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તાલીમાર્થીઓને આપત્તિ વ્યવસ્થાપનનું મહત્વ સમજાવી, તેમને પ્રોત્સાહિત કર્યા તથા તાલીમની ગુણવત્તા અને તેના આયોજનની સઘન સમીક્ષા કરી હતી. ખાસ કરીને પ્રાયોગિક સૂત્રો પર ભાર મૂક્યો હતો. સાથે આપદા મિત્રોના રહેઠાણ અને ભોજનની વ્યવસ્થાની સમીક્ષા કરતાં, તેમણે તાલીમાર્થીઓને ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળી રહે, તે સુનિશ્ચિત કરવા માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
“આપદા મિત્રો”નું આ માળખું માત્ર સ્વયંસેવકોનું જૂથ નથી, પરંતુ તેઓ આપત્તિ સમયે જાનમાલનું રક્ષણ કરનાર પાયાના વીર યોદ્ધાઓ છે. પૂર જેવી પરિસ્થિતિઓમાં તેમની તાલીમ સ્થાનિક કક્ષાએ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ તાલીમ શિબિરને સફળ બનાવવા માટે તમામ જરૂરી સહયોગ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે.
તાલીમ માટેના મુખ્ય મુદ્દા:
• આપત્તિ વ્યવસ્થાપન વિષે માહિતી
• ભૂકંપ
• વાવાઝોડું
• પૂર આવવું
• સુનામી
• ફાયર સેફટી
• મૂળભૂત શોધ અને બચાવ
• ઘાયલ વ્યક્તિને ઉપાડવાની પદ્ધતિ
• સમુદાય આધારિત પ્રાથમિક સારવાર
• સી.પી.આર./બી.એલ.એસ
