ગુજરાત ભૂમિ, વડોદરા
રાષ્ટ્રીય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા શરૂ કરાયેલ યુવા આપદા મિત્ર યોજના દેશના યુવાનોમાં આપદા વ્યવસ્થાપન પ્રત્યે જાગૃતિ, કુશળતા તેમજ જવાબદારીની ભાવના વિકસાવવા માટેની અનોખી પહેલ છે. ગુજરાત રાજ્ય આપદા વ્યવસ્થાપન પ્રાધિકરણ દ્વારા આ યોજના રાજ્યના સત્તર જિલ્લાઓમાં સફળતાપૂર્વક અમલમાં મુકાઈ છે.
આ યોજનાનો બીજો તબક્કો “મેરા યુવ ભારત” શીર્ષક હેઠળ એક નવેમ્બર, બે હજાર પચ્ચીસથી શરૂ થયો છે. આ તબક્કા અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર શ્રી બી. એસ. પટેલ તથા જિલ્લા નોડલ અધિકારી (યુ.એ.એમ.એસ.)ના માર્ગદર્શન હેઠળ સાત દિવસીય નિવાસી તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ તાલીમ કાર્યક્રમની પ્રથમ બેચમાં ૬૦ આપદા મિત્રોએ સફળતા પૂર્વક આપદા મોચનના વિવિધ પાસાઓનું જ્ઞાન મેળવ્યું છે.
વડોદરા જિલ્લાના તાલીમ કાર્યક્રમનું આયોજન રાજ્ય અનામત પોલીસ સમૂહ-૧ તેમજ રાજ્ય આપદા મોચન દળના કેમ્પ, લાલબાગ નજીક કરવામાં આવ્યુ હતું. દરમ્યાન તાલીમ કાર્યક્રમમાં જિલ્લાનાં પસંદગી કરાયેલા યુવાનોને વિવિધ પ્રકારની આપદાઓનો સામનો કરવા માટે માર્ગદર્શન અને પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે.
આ તાલીમનો મુખ્ય હેતુ યુવાનોને કુદરતી તેમજ માનવસર્જિત આપદાઓ સામે સજ્જ બનાવવાનો છે. તાલીમ દરમિયાન ભૂકંપ, પૂર, વાવાઝોડા, આગ લાગવી, પ્રથમ સારવાર, બચાવ તકનીકો, સાપ અથવા અન્ય પ્રાણીઓના દંશ સમયે કરવાં યોગ્ય પગલાં જેવી અગત્યની બાબતો અંગે જાણકારી આપવામાં આવી હતી.
