ગુજરાત ભૂમિ, વડોદરા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ત્વરિત સૂચનાથી વડોદરા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લામાં ખેતીવાડી ખાતાની ૧૦૭ જેટલી સર્વે ટીમ દ્વારા જિલ્લાના ૬૬૮ ગામોમાં સ્થળ મુલાકાત થકી ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લાના આઠેય તાલુકામાં કુલ એક લાખથી વધારે હેક્ટર વિસ્તારમાં આ સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં અંદાજે ૯૮ હજાર હેક્ટર વાવેતર વિસ્તારમાં ૩૩ ટકા કે તેનાથી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તારનો સમાવેશ થાય છે. સર્વેની કામગીરી પૂર્ણ કર્યા બાદ આ વાવેતર વિસ્તારમાં ડાંગર, સોયાબીન, મગફળી, કપાસ સહિતના પાકોને નુકસાન થયું હોવાનું ખેતીવાડી ખાતાએ તારણ કાઢ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીશ્રીએ કમોસમી વરસાદની અણધારી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની પડખે ઉભા રહીને તાત્કાલિક ધોરણે નુકસાનીના સર્વેની કામગીરી કરાવી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર અને ખેતીવાડી ખાતા દ્વારા ખૂબ જ ઝડપથી સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવતા જિલ્લાના ખેડૂતોએ સંતોષ વ્યક્ત કરી સરકારનો આભાર પ્રકટ કર્યો છે.
સાવલી તાલુકાના મુવાલ ગામના ખેડૂતોએ સર્વેની કામગીરી માટે તાત્કાલિક આવેલી ખેતીવાડી ખાતાની ટીમ સમક્ષ રાજ્ય સરકારની ખેડૂતો પ્રત્યેની સંવેદનાની સરાહના કરી હતી. તો, કમલપુરા ગામના સરપંચ અને ખેડૂત જીગરકુમાર પંડ્યાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કરવામાં આવેલી સર્વેની કામગીરી ખેડૂતોના હિત માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ ખેડૂતોએ ટૂંક સમયમાં સરકાર દ્વારા પાક સહાય જાહેર કરવામાં આવશે, તે બાબતને આનંદની વાત ગણાવી હતી.
