ગુજરાત ભૂમિ, ગીર-સોમનાથ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાછલા કેટલાક દિવસોમાં થયેલ કમોસમી વરસાદથી કૃષિ પાકને થયેલા વ્યાપક નુકસાનની સ્થિતિના સંદર્ભે આજે ગીર-સોમનાથ જિલ્લાના કડવાસણ તથા જુનાગઢ જિલ્લાના પાણીદ્રા ગામની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ મંત્રીઓ અર્જુનભાઈ મોઢવાડિયા, ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા અને રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા સાથે લીધેલ આ મુલાકાત દરમિયાન સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ અસરગ્રસ્ત ખેડૂતો સાથે સંવેદનાસભર સંવાદ સાધ્યો હતો. તેમણે ધરતીપુત્રોને સધિયારો આપતા કહ્યું કે, સમગ્ર સરકાર તેમની સાથે પુરી સંવેદનાથી ઉભી છે અને ખેડૂતોને નુકસાનીમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની પ્રતિબદ્ધતા સાથે કાર્યરત છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આ નુકસાનીનો સર્વે પૂર્ણ થતાવેંત જ ખૂબ જ ટૂંક સમયમાં ઉદારતમ રાહત સહાય પેકેજ જાહેર કરવાની દિશામાં પણ કામગીરી ખડેપગે રહીને ઉપાડી છે.અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ કમોસમી વરસાદની અણધારી આફતના સમયે સંપૂર્ણ સંવેદના સાથે રાજ્યના ખેડૂતોની પડખે ઉભા રહીને નુકસાનીના સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાવી છે.
આ સંદર્ભમાં તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત વિસ્તારનો સર્વે શરૂ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં આશરે 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી છે, બાકીના વિસ્તારોમાં પણ સર્વે કામગીરી સત્વરે પૂર્ણ કરવા કૃષિ વિભાગ સહિતના સંબંધિત વિભાગો 24×7 કાર્યરત છે. આ કમોસમી વરસાદના કારણે ખેતી પાકમાં થયેલા નુકસાન સામે ખેડૂતોને વધુમાં વધુ ઝડપથી સહાય મળી શકે તે માટે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 4800થી વધુ ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી કરવામાં આવી છે.
