ગુજરાત ભૂમિ, જામનગર
સમગ્ર દેશમાં તા.૩૧ ઓક્ટોબરના રોજ લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ કલેકટર કચેરીના સભાખંડમાં શપથગ્રહણ કર્યા હતા.
જે આ મુજબ છે, હું શપથ લઉં છું કે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યો દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ શપથ લઉં છું. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવાનો પણ ગંભીરતાથી સંકલ્પ કરું છું.
