ગુજરાત ભૂમિ, વડોદરા
ગુજરાતની ૨૪ વર્ષની અવિરત વિકાસ યાત્રાને જન-જનમાં ઉજાગર કરવાના શુભ સંકલ્પ સાથે રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઊજવણી થઈ રહી છે, જે અંતર્ગત વિકાસ રથ જે ગામમાં પહોંચે છે, ત્યાં સરકારની કલ્યાણકારી યોજનાના લાભાર્થી યોજના અંગે પોતાના પ્રતિભાવો લોકો સમક્ષ રજૂ કરે છે. એવી જ એક ગાથા કોટંબી ગામના ઉર્મિલાબેન પરમારે ગામ સમક્ષ રજૂ કરી હતી.રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) નો હેતુ બાળકોના જીવનની ગુણવત્તા સુધારવાનો છે. આ યોજના અંતર્ગત જન્મથી 18 વર્ષની વયના બાળકોમાં 4 પ્રકારની ખામીઓ – જન્મ સમયે ખામી, રોગો, અક્ષમતા અને વિકાસમાં વિલંબ માટે તપાસ કરવામાં આવે છે. કુલ 32 સામાન્ય સ્વાસ્થ્ય સ્થિતિઓનું વહેલું નિદાન કરીને મફત સારવાર અને જરૂરી હોય ત્યાં સુધી તૃતીય સ્તરે શસ્ત્રક્રિયા સુધીની સેવા પૂરી પાડવામાં આવે છે.
મિતાક્ષી અક્ષયભાઈ પરમાર RBSK લાભાર્થી છે અને તેના હોઠ અને તાળવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે ચાર વર્ષની છે અને તેની સ્થિતિને કારણે બોલી શકતી નહોતી. સર્જરી પછી તે હવે બોલી શકે છે. ગામની બીજી એક છોકરી મહેક નરેન્દ્રભાઈ ચૌહાણએ પણ આવી જ બીમારીથી પીડાતી હતી અને RBSK યોજના હેઠળ તેના હોઠ અને તાળવાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તે પણ હવે બોલી શકે છે અને બંને છોકરીઓના માતા-પિતાએ આવા કલ્યાણકારી કાર્યક્રમ બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
