ગુજરાત ભૂમિ, ગાંધીનગર
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘વિકાસ સપ્તાહ’ અને ‘શહેરી વિકાસ વર્ષ 2025’ અંતર્ગત શહેરી વિકાસ, આરોગ્ય, શિક્ષણ અને કૃષિ સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નાગરિકોના ‘ઇઝ ઓફ લિવિંગ’માં અભિવૃદ્ધિ કરતા કુલ ₹2885 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું.
ગુજરાત વર્ષ 2035માં તેની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યું છે ત્યારે, મુખ્યમંત્રીશ્રીના વરદ્હસ્તે આજના અવસરે ‘ગુજરાત @ 75’ લોગોનું તેમજ Gujarat State Institution for Transformation (GRIT)ના સહયોગથી આગામી 10 વર્ષના વિકાસની રૂપરેખા દર્શાવતા ‘Gujarat @ 75 : Agenda For 2035’ વિઝન ડોક્યુમેન્ટનું વિમોચન કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી દ્વારા વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આવાસ પ્રાપ્ત કરનાર લાભાર્થીઓને તેમને ફાળવવામાં આવેલ ઘરની પ્રતીકાત્મક ચાવી અર્પણ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ આ અવસરે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ, ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામની જન્મજયંતી નિમિત્તે તેમનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી શરૂ થયેલી જ્યોતિગ્રામ યોજના ડૉ.અબ્દુલ કલામજીના હસ્તે રાષ્ટ્રને અર્પણ થઈ હતી, અને આ યોજનાથી રાજ્યના ગામડાઓમાં સર્વત્ર ઉજાસ પથરાયો છે. તેમણે માનનીય વડાપ્રધાનએ શરૂ કરાવેલી યોજનાઓ થકી રાજ્યમાં આવેલ પરિવર્તન, આજે લોકાર્પિત અને ખાતમુહૂર્ત થયેલ વિકાસ પ્રકલ્પો તેમજ વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યભરમાં થયેલ જનસુખાકારીના વિકાસકાર્યોની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રીએ વિકાસ સપ્તાહની ઉજવણીને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનો આધાર ગણાવી હતી તેમજ વડાપ્રધાનના ‘વોકલ ફોર લોકલ’ના મંત્રને ચરિતાર્થ કરી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના સંકલ્પ સાથે આત્મનિર્ભર- વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.
