ગુજરાત ભૂમિ, બોટાદ
બોટાદ જિલ્લામાં રાજ્યકક્ષા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે જોરશોરથી તૈયારીઓ થઇ રહી છે. ત્યારે જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ બોટાદના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તડામાર તૈયારીઓનો પ્રારંભ થઇ ચૂક્યો છે. જ્યારે બોટાદ જિલ્લામાં રાજ્યકક્ષાનાં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી થવા જઇ રહી છે, ત્યારે બોટાદ શહેરનાં અન્ડરબ્રિજની દીવાલ પર રાષ્ટ્રભક્તિનો સંદેશ આપતાં ચિત્રો સાથેની રંગબેરંગી ચિત્રનગરી આકાર લઇ રહી છે.
બોટાદ જેમની કર્મભૂમી રહ્યું છે તેવાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં સુંદર ચિત્રથી દીવાલ વધુ શોભી રહી છે. ત્યારે યુવાપેઢી ગુજરાતી સાહિત્યક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનારા ઝવેરચંદ મેઘાણીની અમર કૃતિઓથી પરિચિત થાય તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમની તસવીર દોરીની તેમની સ્મૃતિઓ તાજી કરવાનો ઉમદા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, અન્ડરબ્રિજ ખાતે અન્ય ચિત્રો દોરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે.