ગુજરાતી ભૂમિ, મોરબી
મોરબીમાં આઈ.સી.ડી.એસ. કચેરી દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને પોષણ ઉત્સવ – ૨૦૨૫ અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટ (શ્રી અન્ન)માંથી બનતી વિવિધ પૌષ્ટિક વાનગીઓની જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ હતી.આ પ્રસંગે હંસાબેન પારેઘીએ આઈ.સી.ડી.એસ અને આરોગ્યલક્ષી સેવાઓ દરેક છેવાડાના વ્યક્તિ તથા સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવા માટે સતત પ્રયાસો કરવા જણાવ્યું હતું.
આજના સમયે આરોગ્યપ્રદ જીવનશૈલી માટે ખાંડ અને મીઠાનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરવા તથા જંકફૂડને બદલે મિલેટ્સ અને લીલા શાકભાજી સહિતના પોષણક્ષમ આહાર અપનાવવા અનુરોધ કર્યો હતો.
પ્રાસંગિક પ્રવચનમાં મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બાળકોના વિકાસમાં આંગણવાડી વર્કરની ભૂમિકા મહત્વની છે. આ કાર્ય કામગીરીરૂપે નહીં પરંતુ નિષ્ઠાપૂર્વક બાળકો સાથે આત્મીયતા દાખવી નાના નાના ભૂલકાંઓમાં પ્રેમ અને લાગણીથી સુસંસ્કારોનું સિંચન કરવા જણાવ્યું હતું.
