હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર અને રાજકોટને જોડતા અગત્યના માર્ગ પર વાહનવ્યવહારને વધુ સરળ અને સલામત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ધુંવાવ ખાતે નવનિર્મિત બ્રિજનું રાજ્યના કેબિનેટ કૃષિ, પશુપાલન, ગ્રામ ગૃહ નિર્માણ, ગ્રામ વિકાસ અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે માળખાગત સુવિધાઓને ટોચની પ્રાથમિકતા આપી છે. આ નવનિર્મિત બ્રિજ માત્ર એક નિર્માણ કાર્ય નથી, પરંતુ જામનગર અને આસપાસના વિસ્તારના લોકો માટે સમયની બચતની સાથે આર્થિક ગતિવિધિઓને વેગ આપવાનું માધ્યમ બનશે.આ અત્યાધુનિક રિવર બ્રિજનું નિર્માણ જામનગર રૂ.૪.૩૩ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે.
માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા નિર્માણ કરાયેલ અને જામનગરને જોડતા ધોરીમાર્ગ પર આવેલો આ બ્રિજ કુલ ૧૧૧ મીટરની લંબાઈ અને ૬ ગાળા ધરાવે છે. આ બ્રીજ થકી ચોમાસા દરમિયાન નદીમાં પાણી આવવાના કારણે ગ્રામજનોને થતી મુશ્કેલી દૂર થશે સાથે જ જામનગર-રાજકોટ વચ્ચેની અવરજવર ઝડપી થશે
