સારા ન્યુઝ, ડાંગ
“રાષ્ટ્રીય પોષણ માહ”
ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પોષણ અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર- ૨૦૨૫ ને “રાષ્ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લામાં પણ પોષણ માસ અંગેની ઉજવણી કરવા માટે જિલ્લાના જુદાં જુદાં વિભાગના અમલીકરણ અધિકારીઓ સાથે આજરોજ ડાંગ જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાની અધ્યક્ષ સ્થાને એક મહત્વની બેઠક યોજાઇ હતી. જિલ્લા, તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ યોજાનાર આ કાર્યક્રમમાં જુદી જુદી પ્રવૃતિઓનું ઉત્સાહપુર્વક આયોજન કરવા જિલ્લાના અમલીકરણ વિભાગો દ્વારા પરસ્પર સંકલન સાધીને કામગીરી કરવામાં આવે તે ઇચ્છનીય છે તેમ, આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.વસાવાએ જણાવ્યું હતું.
આ ઉપરાંત મહિલા અને બાળ વિકાસ વિભાગ નોડલ તરીકે પોષણ માહની ઉજવણી સારી રીતે કરવા સાથે જુદા જુદા વિભાગોના સંકલનમાં રહીને વિવિધ પ્રવૃતિઓની વિગતોનું રીપોર્ટીંગ કરવા પણ જણાવ્યું હતું. આ સાથે જ તારીખ ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટબર સુધી યોજાનાર સ્વચ્છતા હી સેવા કાર્યક્રમાં સૌ વિભાગો સહભાગી થાય અને અભિયાનને સાર્થક બનાવે તે જરૂરી છે તેમ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એસ.ડી.તબીયારે જણાવ્યું હતું.
આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ, પ્રોગ્રામ ઓફીસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ તેમજ જિલ્લા પંચાયતના શાખા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
