ગુજરાત ભૂમિ, વેરાવળ
૨૫મી જાન્યુઆરી-૧૯૫૦ના રોજ ભારતના ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી. જે અન્વયે ૨૦૧૧ થી દર વર્ષે ૨૫મી જાન્યુઆરીએ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય હેતુ મતદારોને પ્રોત્સાહિત કરવા, નવા મતદારોની મતદારયાદીમાં નોંધણી કરાવવા તેમજ કોઈ પણ પ્રલોભન વગર પોતાના મતાધિકારનો પ્રયોગ કરે તે માટે પ્રતિજ્ઞા ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવે છે.
વધુમાં ચૂંટણીપંચ દ્વારા તા.૨૫ જાન્યુઆરીના રોજ ૧૫માં “રાષ્ટ્રીય મતદાતા દિવસ”ની “મતદાનથી વિશેષ કંઈ નથી, હું અવશ્ય મતદાન કરીશ” ની થીમ આધારીત ઉજવણી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કરવામાં આવી હતી.
![](https://hindnews.in/wp-content/uploads/2025/01/Story-2-MATDATA-DIVAS-1.jpeg)
જેમાં હાઉસ ટૂ હાઉસ તેમજ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કરેલી કામગીરીના સંદર્ભમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે વયોવૃધ્ધ મતદારો, શ્રેષ્ઠ સેકટર ઓફિસર, શ્રેષ્ઠ બી.એલ.ઓ કેમ્પસ એમ્બેસેડર તથા નવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ભાગ લે તે માટે સહકાર આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. તેમજ મુખ્ય નિર્વાચન આયુક્ત રાજીવ કુમાર દ્વારા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી અન્વયે વીડિયો સંદેશ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી અને મામલતદારશ્રીઓ દ્વારા જે તે તાલુકાઓમાં નકકી કરાયેલ સ્થળોએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.