ગુજરાત ભૂમિ, જામનગર
જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે.
ચૂંટણી અનુસંધાને જામનગર જિલ્લાના સબંધિત મતદાર વિભાગમાં ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થા દ્વારા ચૂંટણી સબંધી સરઘસ, રેલી કે તેવો કોઈપણ કાર્યક્રમ યોજવામાં આવશે. આ ચૂંટણીનું મતદાન મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં યોજાય તે જોવાનો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે. ભારતના ચૂંટણીપંચના પત્ર અનુસાર ચૂંટણી સબંધી સમુહ કે કાફલામાં કે રેલી/સરઘસમાં કોઈપણ સંજોગોમાં દ્વિચક્રી વાહનો સહિત કુલ દસ(૧૦) કરતાં વધુ વાહનો (ઉમેદવારો કે રાજકીય પક્ષોને સુરક્ષા માટે ફાળવેલ સિવાયના વાહનો) રાખવા કે હંકારવાની મંજુરી મળવા પાત્ર નથી. આ આદેશનું પાલન ન થાય તો લોકોમાં ભયયુકત વાતાવરણ ઉભું થવાનો સંભવ રહે છે. આથી ચૂંટણી સબંધિત વિસ્તારમાં જાહેર સુલેહ શાંતિ અને કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામાં મુજબ જામનગરના જિલ્લાના જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાના સમગ્ર વિસ્તાર તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીના વિસ્તારમાં ઉમેદવારીપત્રો ભરવા માટેની અલગ સૂચનાઓ સિવાય ચૂંટણી સબંધીત કોઈ સરઘસ કે રેલી કે કાફલા કે સમુહમાં કે કોઈ કાર્યક્રમમાં દસ(૧૦) કરતાં વધુ વાહનો રાખી શકાશે નહી કે હંકારી શકાશે નહી. તમામ પ્રકારના સરકારી/અર્ધ સરકારી વાહનોને આ નિયમ લાગુ પડશે નહી. આ આદેશનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.