ગુજરાત ભૂમિ,બોટાદ
૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની શાનદાર ઉજવણી કરવા માટે બોટાદ વહીવટી તંત્ર સુસજ્જ થઈ રહ્યું છે. આ પ્રસંગે બોટાદ જિલ્લો પોતાની ગૌરવભરી ઓળખ રાજ્ય અને દેશ સમક્ષ રજૂ કરશે. ત્યારે જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન અનુસાર બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચુક્યો છે.
પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે વિવિધ કાર્યક્રમોના ભવ્ય આયોજન માટે જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. બોટાદ ખાતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે શાનદાર સાંસ્કૃ્તિક કાર્યક્રમો યોજાશે. જેમાં રાજ્યભરમાંથી કુશળ કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરશે.
સતત વિકાસની હરણફાળ ભરતું ગુજરાત રાજ્ય આ વર્ષે બોટાદ જિલ્લામાં ખુબ જ ઉત્સાહ અને ઉમંગ પૂર્વક પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવા જઈ રહ્યું છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા રચવામાં આવેલી વિવિધ સમિતિઓ દ્વારા એક્શન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે.