ગુજરાત ભૂમિ, ગીર સોમનાથ
હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૨૬/૧૨/૨૦૨૪ થી તા.૨૭/૧૨/૨૦૨૪ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનુ પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઇએ.
ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવો જોઇએ. એ.પી.એમ.સી.માં વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા અને અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા તથા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન સુરક્ષિત રાખવા જોઇએ.
આ અંગે વધુ જાણકારી ગ્રામસેવક/ વિસ્તરણઅધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.),જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.