કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાની વસૂલાત માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન કાર્યવાહીના ભાગરૂપે કુલ ૦૭ દુકાનો સીલ કરી દેવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી બાકી રહેલા મિલકત વેરાની વસૂલાત માટે તંત્ર દ્વારા આ આક્રમક અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
આ કાર્યવાહીની વિગતો મુજબ શહેરના સ્ટેશન રોડ પર આવેલા કિશોર પ્લાઝા ખાતે ટેક્સ વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. અહીં લાંબા સમયથી કુલ રૂ. ૫,૭૩,૫૮૦/- નો મિલકત વેરો ભરપાઈ કરવામાં આવ્યો ન હતો. અનેક સૂચનાઓ છતાં વેરો ન ભરાતા તંત્ર દ્વારા આ સંકુલની ૦૬ દુકાનોને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકાની આ સીધી કાર્યવાહીથી વેરો ન ભરનારા અન્ય મિલકતધારકો માટે પણ કડક સંદેશ પહોંચાડવામાં આવ્યો છે.
આ ઉપરાંત ટેક્સ રિકવરી ટીમ દ્વારા ગામડીવડ વિસ્તારમાં આવેલા જે.કે. લેન્ડમાર્ક ખાતે પણ બાકી વેરાની વસૂલાત અંતર્ગત રૂ. ૧,૧૭,૦૦૦/- ની રકમ ચૂકવવામાં બાકી હોવાનું જણાતા તંત્રએ ત્વરિત પગલાં લીધા હતા અને ૦૧ દુકાન સીલ કરી દીધી હતી.
આમ, મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા એક જ દિવસમાં બે અલગ-અલગ સ્થળોએ કુલ રૂ. ૬,૯૦,૫૮૦/- ના બાકી વેરાની રકમ સામે કુલ ૦૭ મિલકતોને સીલબંધી હેઠળ લેવામાં આવી છે. કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા આ તકે શહેરના તમામ મિલકતધારકો અને કરદાતાઓને જણાવાયું છે કે તમામ નાગરિકોએ પોતાના બાકી વેરો સમયસર ભરપાઈ કરી દેવો જોઈએ જેથી આવી જપ્તી કે સીલિંગ જેવી કાયદેસરની કાર્યવાહીનો સામનો ન કરવો પડે. મહાનગરપાલિકાની વસૂલાત કામગીરીમાં સહયોગ આપી શહેરના વિકાસમાં સહભાગી થવા માટે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે.
