બોટાદ
બોટાદના નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા વૃતિકા સ્ટાઇપેન્ડ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાના રાણપુર શહેર ખાતે બહેનોને ફળ અને શાકભાજીના પરિરક્ષણ (કેનિંગ) તથા મૂલ્યવર્ધન અંગે બે દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ શિબિરમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલી ૩૧ જેટલી બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન તાલીમાર્થી બહેનોને વિવિધ ફળ અને શાકભાજીમાંથી ઘરગથ્થુ તેમજ વ્યવસાયિક ઉપયોગ માટે પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત બનાવટો તૈયાર કરવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં લસણનું અથાણું, જૂર-લીંબુનું અથાણું, કારેલાનું અથાણું, કેરીનું શરબત, સફરજનનો જામ, સિન્થેટિક વિનેગર, ટામેટા સોસ, ટોપરાનાં લાડુ સહિતની વિવિધ બનાવટો સ્થળ પર જ તૈયાર કરાવીને પરિરક્ષણ તથા મૂલ્યવર્ધન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ બહેનોને ફળ અને શાકભાજીમાંથી વિવિધ મૂલ્યવર્ધિત ઉત્પાદનો તૈયાર કરવાની કૌશલ્યપૂર્ણ તાલીમ આપી સ્વરોજગાર તરફ પ્રોત્સાહિત કરવા અને આત્મનિર્ભર બનાવવાનો હતો. ઘરેથી જ પૌષ્ટિક અને સ્વાસ્થ્ય વર્ધક ખાદ્ય બનાવટો તૈયાર કરી તેનો ઉપયોગ તથા વેચાણ કરીને બહેનો પોતાની આવકમાં વધારો કરી શકે તે દિશામાં પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમના અંતે બોટાદ જિલ્લાના બાગાયત અધિકારી એમ. એન. રાઠોડ દ્વારા તાલીમાર્થી બહેનોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તેમણે પોષણ માસ અંતર્ગત કુપોષણ નિવારણ, પૌષ્ટિક ઘરગથ્થુ આહારનું મહત્વ તેમજ આવા કૌશલ્ય આધારિત તાલીમ કાર્યક્રમો થકી મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમ નાયબ બાગાયત નિયામકની કચેરી બોટાદની યાદીમાં જણાવાયું છે.
