ગુજરાત ભૂમિ, આણંદ
આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ, આણંદ ખાતે સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આબેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ જન પ્રતિનિધિઓના પ્રજાલક્ષી પ્રશ્નોનો નિયત સમયમર્યાદામાં હકારાત્મક નિકાલ લાવવા માટે સૂચના આપી હતી. આ ઉપરાંત જનપ્રતિનિધિઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નો માટે કરેલ રજૂઆતનો પણ તુરંત જ પ્રતિસાદ આપવા પણ જિલ્લા કલેકટરએ અમલીકરણ અધિકારીઓને જણાવ્યું હતું.
કલેકટરએ આણંદ જિલ્લાવાસીઓની પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવા, સરકારી જમીન ઉપરના દબાણો માપણી મુજબ જે દબાણ નક્કી થતા હોય તેને તાકીદે દૂર કરવા જણાવ્યું હતું, આ ઉપરાંત રોડ રસ્તા ના મંજૂર થયેલા કામો વહેલી તકે શરૂ કરી સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવા પણ તેમણે અધિકારીઓને સૂચના આપી હતી.ઉપરાંત સરકારી બાકી લેણાની વસુલાત કરવા પણ તેમણે સુચના આપી હતી. કલેકટર એ વધુમાં જિલ્લામાં યોજવામાં આવી રહેલ મહેસુલી સેવા સેતુનો લાભ લઈ મહેસુલી રેકોર્ડ અધ્યતન બનાવવા તથા રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરાવી લેવા પણ જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત ધારાસભ્યઓ દ્વારા પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
આ બેઠકમાં બોરસદના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, સંસદ સભ્ય મિતેષભાઈ પટેલ, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પરમાર, ચિરાગભાઈ પટેલ,જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના, જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર ઋતુરાજ દેસાઈ, પેટલાદના મદદનીશ કલેકટર હિરેનભાઈ બારોટ સહિત સંકલન સમિતિના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.